બગોદરા હાઈવે ફરી અકસ્માતનો હાઇવે બન્યો: મોટી ટ્રકની પાછળ બીજી ટ્રક અથડાતા એક વ્યક્તિનું મૃત્યુ

અમદાવાદ, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫: અમદાવાદના બગોદરા હાઇવે પર એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે. આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યાના સુમારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર રોહિકા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર એક ટ્રક પાર્ક કરેલી હતી અને અમદાવાદ તરફથી આવતી એક ટ્રક તેની સાથે અથડાઈ ગઈ હતી. ટ્રકો વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આજે બગોદરા હાઇવે ફરી અકસ્માતોનો હાઇવે બની ગયો છે. બગોદરા હાઇવે પર સામાન્ય રીતે મોડી રાત્રે ભારે ટ્રાફિક રહે છે. દરમિયાન, આજે સવારે 3 વાગ્યાની આસપાસ રોહિકા પાટિયા પાસે, બાજરી ભરેલો ટ્રક રસ્તા પર ઉભો હતો. ત્યારે, અમદાવાદ તરફથી આવી રહેલો એક ટ્રક રસ્તા પર ઉભેલા મોટા ટ્રક સાથે અથડાઈ ગયો. મોટા ટ્રક અને નાના ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેને બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દુ:ખદ ઘટના કોની બેદરકારીને કારણે બની તે જાણવા માટે પોલીસ અકસ્માતની વધુ તપાસ કરશે.












