ઉત્તર પ્રદેશ: એક યુવકે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવ્યો, આરોપીની ધરપકડ, વીડિયો વાયરલ

બાગપત: કૂતરા દુનિયાના સૌથી વફાદાર અને પ્રેમાળ પ્રાણીઓમાંના એક છે. તેઓ માનવીના સાચા મિત્ર તરીકે ઓળખાય છે, જે હંમેશા તેમના માલિકની સાથે રહીને વફાદારીનું ઉદાહરણ આપે છે. માણસો અને કૂતરાઓ વચ્ચેની મિત્રતાની અનેક પ્રેરણાદાયી વાર્તાઓ આપણે સાંભળીએ છીએ, જેમાં કૂતરા પોતાના માલિક સાથે જીવનભર વફાદાર રહે છે. પરંતુ આવા નિર્દોષ અને સંવેદનશીલ પ્રાણીઓ સાથે કેટલાક લોકો અમાનવીય વર્તન કરે છે, જે ખુબ જ ગંભીર વાત છે. પ્રાણીઓને પીડા આપવી એ માત્ર ક્રૂરતા જ નહીં, પરંતુ કાયદાની દૃષ્ટિએ પણ ગુનો છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સામે આવી છે, જ્યાં એક યુવકે રખડતા કૂતરાને જબરજસ્તી દારૂ પીવડાવ્યો.
આ ઘટના રામલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિર્થલ ગામમાં બની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી જીતેન્દ્ર ઉર્ફે બલ્લમની ધરપકડ કરી લીધી. વાયરલ વીડિયોમાં આરોપી હાથમાં દારૂની બોટલ લઈને કૂતરાને બળજબરીથી પીવડાવતો દેખાય છે, જે જોઈને લોકોમાં રોષ ફેલાયો.
વીડિયો વાયરલ થતાં જ સામાજિક કાર્યકર્તાઓ અને પ્રાણીપ્રેમીઓએ આને પશુ ક્રૂરતાનો કેસ ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે પશુ ક્રૂરતા અટકાવવા સંબંધિત કાયદા હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી. રામલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વિગતવાર તપાસ ચાલુ છે. પોલીસે ચેતવણી આપી છે કે પ્રાણીઓ પર ક્રૂરતા આચરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે પ્રાણીઓ પણ જીવંત છે અને તેમને પીડા થાય છે. કૂતરા જેવા વફાદાર પ્રાણીઓ સાથે દયા અને પ્રેમથી વર્તવું જોઈએ, કારણ કે તેઓ આપણા જીવનને વધુ સુંદર બનાવે છે.
આ પણ વાંચો: શું મોદી સરકારની વિદેશ નીતિ અમેરિકા નક્કી કરી રહ્યું છે….ટ્રમ્પના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર












