અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ઓટોરિક્ષાના ભાડામાં વધારો: રાજ્ય સરકારે જાહેર કર્યા નવા દર

Autorickshaw fare hike:  રાજ્ય સરકારે ઓટોરિક્ષામાં મુસાફરી કરતા લોકોને ધ્યાનમાં રાખીને નવા ભાડાના દરો જાહેર કર્યા છે. પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 67 હેઠળ આ અંગે નવી સૂચના બહાર પાડવામાં આવી છે. નવા ભાડાના દરો 7 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યા છે. આ સાથે વર્ષ 2022માં જાહેર કરાયેલા અગાઉના ભાડાના દરો રદ કરવામાં આવ્યા છે.

પ્રથમ 1.2 કિલોમીટર માટે ન્યૂનતમ ભાડું રૂ.25

નવી સૂચના પ્રમાણે શહેર અને તેની હદ સાથે જોડાયેલા વિસ્તારોમાં ઓટોરિક્ષાના પ્રથમ 1.2 કિલોમીટર માટે મુસાફરે ઓછામાં ઓછું રૂ.25 ચૂકવવાનું રહેશે. ત્યારબાદ દર 200 મીટરના અંતર માટે રૂ.4નો ચાર્જ વસૂલવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શહેરની બહાર મુસાફરી માટે દોઢ ગણું ભાડું

જો ઓટોરિક્ષા શહેરની સીમા બહાર જાય તો શહેરની હદ બાદના અંતર માટે સામાન્ય દર કરતાં દોઢ ગણું ભાડું વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, મુસાફર એ જ ઓટોરિક્ષામાં શહેરની હદમાં પરત આવે તો સમગ્ર મુસાફરી માટે શહેરમાં લાગુ સામાન્ય ભાડાના દર પ્રમાણે જ ચાર્જ લેવામાં આવશે.

વેઇટિંગ ચાર્જ પણ લાગુ થશે

નવી ભાડા વ્યવસ્થામાં ઓટોરિક્ષા વેઇટિંગના ચાર્જની પણ જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ પાંચ મિનિટ સુધી કોઈ વેઇટિંગ ચાર્જ લેવામાં નહીં આવે. ત્યારબાદ દર મિનિટે રૂ.1 વેઇટિંગ ચાર્જ ચૂકવવો પડશે.

શહેરની અંદર ઓટોરિક્ષા મહત્તમ એક કલાક સુધી રાહ જોઈ શકશે, જ્યારે શહેરની બહાર વેઇટિંગની મહત્તમ મર્યાદા બે કલાક નક્કી કરવામાં આવી છે.

રાત્રિના સમયે 50 ટકા સરચાર્જ

રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન ઓટોરિક્ષામાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી મૂળ ભાડા ઉપરાંત 50 ટકા સરચાર્જ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રાત્રિના સમયે મુસાફરી કરવી હોય તો સામાન્ય ભાડા કરતાં વધુ રકમ ચૂકવવી પડશે.

વડોદરામાં મોટી સંખ્યામાં લોકો ઓટોરિક્ષા વ્યવસાય સાથે જોડાયેલા

ઓટોરિક્ષા શહેરોમાં જાહેર પરિવહનનું મહત્વનું સાધન છે. એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં આશરે સવા લાખ ચાલકો માટે ઓટોરિક્ષા રોજગારીનું સાધન છે. નવા ભાડાના દરોની સીધી અસર ઓટોરિક્ષા ચાલકો તેમજ રોજિંદી મુસાફરી કરતા મુસાફરો પર પડશે.

નવા નિયમો 7 ઓગસ્ટથી અમલમાં આવી જતા હવે મુસાફરોએ ઓટોરિક્ષા ભાડું ચૂકવતી વખતે નવા દરોનું ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો : ‘બટવારા 1947’ના પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા સની દેઓલ, CM યોગી સાથે કરી મુલાકાત

Back to top button