પાકિસ્તાની ગેંગસ્ટર-આતંકવાદી શહજાદ ભટ્ટી પર હુમલો, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી

પાકિસ્તાન, 1 ફેબ્રુઆરી 2026: લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક મોટો દાવો કર્યો છે. ગેંગના સભ્ય રણદીપ મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પાકિસ્તાની ગેંગસ્ટર તેમજ આતંકવાદી શહજાદ ભટ્ટી પર હુમલાની જવાબદારી લીધી છે. રણદીપ મલિકે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે શહજાદ ભટ્ટીને નિશાન બનાવ્યો છે, કારણ કે ભટ્ટીએ તાજેતરમાં અનમોલ બિશ્નોઈ અને લોરેન્સ બિશ્નોઈને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
શહજાદ ભટ્ટી કોણ છે?
શહજાદ ભટ્ટી એક પાકિસ્તાની ગેંગસ્ટર અને આતંકવાદી છે, જે પાકિસ્તાનમાં અપરાધીય પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. તે ગેંગવોર, હથિયારોની તસ્કરી અને આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો ખતરો બની ગયો છે, કારણ કે તેની પ્રવૃત્તિઓ સીમાપાર આતંકવાદ સાથે જોડાયેલી છે. તાજેતરમાં તેણે અનમોલ અને લોરેન્સ બિશ્નોઈને ખુલ્લેઆમ ધમકી આપી હતી, જેના કારણે લોરેન્સ ગેંગે તેને ટાર્ગેટ કર્યો.
એક સમયે લોરેન્સનો મિત્ર હતો શહજાદ
પાકિસ્તાનમાં જન્મેલા શહજાદ ભટ્ટી અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે એક સમયે ગાઢ મિત્રતા હતી. છેલ્લા વર્ષે ઈદના પ્રસંગે તેમની વીડિયો કોલ વાયરલ થઈ હતી, જેમાં ભટ્ટીએ લોરેન્સ માટે ‘ગર્દન કટવા’ તૈયાર હોવાનું કહ્યું હતું. પરંતુ પહેલગામ આતંકી હુમલા બાદ લોરેન્સે હાફિઝ સઈદને ધમકી આપી ત્યારે ભટ્ટી ભડકી ગયો. પાકિસ્તાની નેટવર્ક સાથે જોડાયેલા હોવાથી તેને આ બયાન અસહ્ય લાગ્યું અને બંને વચ્ચે દુશ્મની વધી ગઈ.
આ હુમલાની ઘટના લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને શહજાદ ભટ્ટી વચ્ચેની વધતી દુશ્મનીનું પરિણામ માનવામાં આવે છે. ભટ્ટીના ISI સાથેના કનેક્શન અને ભારત વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓને લઈને પણ આ મામલો વધુ ગંભીર બન્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભટ્ટી પર હુમલો પોર્ટુગલમાં થયો હોવાનું પણ કહેવાય છે, જ્યાં લોરેન્સ ગેંગે પોતાની પહોંચ દર્શાવી છે.
આ પણ વાંચો : કૂતરું કરડ્યા બાદ પાલનપુરનો યુવક જાનવર જેવું વર્તન કરવા લાગ્યો, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કર્યો












