પોલ્યુશન મુક્ત અમદાવાદ: AMTSમાં 15 ઇલેક્ટ્રિક બસોનું આગમન
અમદાવાદને વાયુ પ્રદુષણ મુક્ત કરવા માટે કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે AMTS દ્વારા પર્યાવરણની જાળવણીમાં પોતાનો ફાળો આપતાં 225 ઇલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્ણય લઇ લીધો છે. જેમાંથી હાલ 15 બસો લાવવામાં આવી છે.
એએમટીએસ કમિટીનાં ચેરમેનના જણાવ્યા પ્રમાણે, એએમટીએસમાં સૌપ્રથમ ડિઝલ બસો ચાલતી હતી પરંતુ પર્યાવરણની જાળવણી માટે ધીમે ધીમે તમામ બસો સીએનજીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. સીએનજી બસો ડિઝલ બસ જેટલુ વાયુ પ્રદુષણ નથી ફેલાવતી, પરંતું ધીમે ધીમે શહેરમાં સંપૂર્ણ ધુમાડા મુક્ત એટલે વાયુ પ્રદુષણ મુક્ત ઇલેક્ટ્રિક બસો ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું કે, એએમટીએસનાં ઇતિહાસમાં સૌથી મહત્વનુ પરિવર્તન આવી રહ્યું છે, 225 ઇલેક્ટ્રિક મીડી બસો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. શહેરમાં હાલ ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે પરંતુ તેની સંખ્યા ઓછી હોવાથી સીએનજી બસ ચલાવવી પડે છે પરંતુ આગામી સમયમાં વધુ સંખ્યામાં ઇલે.બસ આવી જશે એટલે સીએનજી બસોને પણ વિદાય આપવામાં આવશે.
ઇલેક્ટ્રિક બસ ખરીદવાની પ્રક્રિયા ફક્ત છ મહિનામાં પૂરી કરવામાં આવી છે અને દેશમાં પહેલા વખત એએમટીએસે ઈ-બસો માટે સાઇબર સિક્યોરિટી અને સેફટી ઓડિટ ફરજિયાત કરી છે, જેથી બસોના ડિજિટલ સિસ્ટમ્સ, ડેટા સંચાર અને ઓપરેશન સંપૂર્ણ સુરક્ષિત રહે. ઉપરાંત, દેશના વિવિધ શહેરોમાં બનેલા બેટરી આગના બનાવોને ધ્યાનમાં રાખીને આખી બસ ફ્લીટમાં FDSS (ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ) ફરજિયાત કરવામાં આવી છે, જે મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહી છે.












