સાઉથ સિનેમાના વધુ એક અભિનેતાને હાર્ટ એટેક, એક મહિનામાં ચાર તમિલ કલાકારના નિધન
- તમિલ કલાકારના હાર્ટ એટેકના કારણે ઉપરાછાપરી થયેલા નિધને ચાહકો અને ફિલ્મ ઉદ્યોગને આંચકો આપ્યો છે. તાજેતરમાં લોલુ સબા સેશુ અને વિલેન ડેનિયલ બાલાજીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે પીઢ અભિનેતા અરુલમણિના નિધનના સમાચારે લોકોને ચોંકાવ્યા છે.
12 એપ્રિલ, ચેન્નઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા અને AIADMKના સ્ટાર પ્રવક્તા અરુલમણિનું 65 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે, તેમના મૃત્યુથી તમિલ ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હાર્ટ એટેકના કારણે આ મહિને ચાર તમિલ કલાકારો મૃત્યુ પામ્યા છે. તમિલ સિનેમામાં હાર્ટ એટેકના કારણે સેલિબ્રિટીઝના અવારનવાર મૃત્યુએ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગને આંચકો આપ્યો છે. તાજેતરમાં લોલુ સબા સેશુ અને વિલેન ડેનિયલ બાલાજીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે પીઢ અભિનેતા અરુલમણિના નિધનના સમાચારે લોકોને ચોંકાવ્યા છે.
દિગ્ગજ અભિનેતા અરુલમણિનું નિધન
અરુલમણિના નિધનથી તેમના ચાહકો અને પ્રિયજનો ખૂબ જ પરેશાન છે. અરુલમણિને ગઈકાલે રાત્રે અચાનક હાર્ટ એટેક આવતા તેમને સરકારી રોયાપેટ્ટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાનો પરિવાર અને AIADMKના લોકો આ સમાચારથી ખૂબ જ દુઃખી છે. સિનેમા કરતાં રાજકારણમાં વધુ રસ ધરાવતા અરુલમણિ કેટલાક દિવસોથી AIADMK પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત હતા. અરુલમણિ છેલ્લા દસ દિવસથી ઘણા શહેરોમાં પ્રચાર કરીને કાલે ચેન્નઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમના પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેમને ન બચાવી શકાયા.
ચાર કલાકારોએ એક જ મહિનામાં દુનિયાને અલવિદા કહ્યું
અભિનેતા અને લોકપ્રિય વ્યક્તિ અરુલમણિનું ગઈકાલે 11 એપ્રિલે અવસાન થયું હતું. તેમણે ‘અઝગી’, ‘થેન્ડ્રલ’, ‘થંડાવક્કોન’ અને બીજી ઘણી તમિલ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક્ટર ડેનિયલ બાલાજીનું પણ 48 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અરુલમણિ હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા ચોથા તમિલ અભિનેતા બન્યા છે. આ પહેલા સેશુ, ડેનિયલ બાલાજી અને વિશ્વેશ્વર રાવનું પણ આવી જ રીતે મૃત્યુ થયું હતું. ચાર તમિલ કલાકારો એક જ મહિનામાં મૃત્યુ પામ્યા છે. ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર અરુલમણિના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ વીકેન્ડ એન્ટરટેઇનમેન્ટના નામે, જાણો કઈ ફિલ્મો રિલીઝ થઈ