દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. તેમાં પણ ઈઁધણના મોરચે દેશવાસીઓને સતત ઝાટકા લાગી રહ્યાં છે. આજે ફરી એકવખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ LPG ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.
ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 1000ને પાર
આ ભાવ વધારાની સાથે જ દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોવાળા ઘરેલુ LPG સિલિન્ડર 1003 રૂપિયામાં મળશે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1003 રૂપિયાએ પહોંચી ગયા છે. કોલકાતામાં LPGના ભાવ 1029 રૂપિયા અને ચેન્નાઈમાં 1018 રૂપિયા થઈ ગયા છે.
કોમર્શિયલ LPG સિલિન્ડર પણ મોંઘું થયું
ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર રૂ. 2354, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 10 રૂપિયા સસ્તું થયું હતું.
આ પહેલાં 7મેનાં રોજ ભા વધ્યા હતા
આ વર્ષે એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1લી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ એની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો છે.