અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટે તરફથી મળી એક અઠવાડિયાની રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

HD News Desk, 18 સપ્ટેમ્બર, 2025: રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો છે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.
હાઇકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી.
22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હિંડનબર્ગ કેસમાં સેબીએ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી, કેસ બંધ; જાણો ગૌતમ અદાણીએ શું કહ્યું












