આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી: કસ્ટોડિયલ પૂછપરછ અનિવાર્ય

અમદાવાદ: 2.29 કરોડથી વધુના અપ્રમાણસર રોકડ વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિના કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકીબેન ભાસ્કરભાઈ વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ જે. ઠાકરે આરોપી કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે, આર્થિક ગુનાઓની ગંભીરતા જોતાં આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત અનિવાર્ય છે.
ACB અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2012થી 2023 દરમિયાન આણંદ ખાતે RAC તરીકે ફરજ બજાવનાર કેતકી વ્યાસ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે તપાસ હેઠળના સમયગાળામાં આરોપી અને તેમના સગાંઓના ખાતામાં રૂ. ૧,૧૧,૦૩,૩૮૧ની રોકડ રકમ જમા થઈ હતી. મિલકતોની ખરીદી માટે રૂ. ૧,૧૮,૨૨,૯૨૧ની ચૂકવણી પણ રોકડેથી કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડથી બચવા માટે કેતકી વ્યાસે આગોતરા જામીન અરજી કરી હતી.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીનું મકાન બંધ છે અને તેઓ હાલ ફરાર હોવાથી તંત્ર દ્વારા મકાન સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિવારની પૃષ્ઠભૂમિ અંગે પણ વિગતો રજૂ કરાઈ હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે મિલકતોના દસ્તાવેજો, બેંક વ્યવહારો અને ડિજિટલ પુરાવા એકત્ર કરવા માટે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ થવી જરૂરી છે, જેથી આગોતરા જામીન આપવાનો ઈનકાર કરવામાં આવે છે.
આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, “ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રનો દુશ્મન છે અને તે દેશના આર્થિક સ્વાસ્થ્યને લકવાગ્રસ્ત કરે છે. સરકારી કર્મચારી પોતાના હોદ્દાનો ઉપયોગ અંગત લાભ માટેની ‘કાર્યશાળા’ તરીકે કરી શકે નહીં. સરકારી સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે સંપત્તિ એકઠી કરવી એ લોકશાહી અને જાહેર વહીવટના પાયાને હચમચાવી દે છે. માત્ર ‘કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી’ તેવી દલીલના આધારે આગોતરા જામીન આપી શકાય નહીં.”
આ પણ વાંચો: કરોડોના દેવામાં ડૂબેલા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, બે સંપત્તિની હરાજી કરાશે












