
અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર, 2025: શહેરમાં વધુ એક દુર્ઘટના બની હતી. એએમટીએસ ડેપોની દીવાલ ધરાશાયી થવાથી એકનું મૃત્યુ થયું હતું. દીવાલ ધરાશાયી થતાં અનેક વાહનો પણ દબાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, અહીંના કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે.
મળતી વિગત પ્રમાણે, આજે સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS શ્રીનાથ બસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ત્યાં ઉભેલો 30 વર્ષનો યુવક કાટમાળમાં દટાયો હતો. જોકે, દીવાલ પડતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સિવાય આસપાસ રહેલા વાહનોને પર દીવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
સ્થાનિકોના કહેવા મુજબ, એએમટીએસ બસ ડેપોની વર્ષો જૂની આ દીવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહતું આવ્યું અને આજે અચાનક જ દીવાલ પડી જતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદ સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
7 સપ્ટેમ્બરે દરિયાપુર વિસ્તારમાં અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી થયું હતું. જેમાં 3 મકાનો ઉપર દીવાલ પડતાં 5 લોકો દટાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ હિંમત રૂડાણી હત્યા કેસઃ સોપારીબાજ મનસુખ લાખાણીએ પુરાવો માંગ્યો, હત્યારાઓએ મોકલ્યો વીડિયો












