અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે સરેન્ડર કર્યું, મર્સિડીઝ કારમાં પહોંચ્યા પોલીસ સ્ટેશન


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.

18 માર્ચના રોજ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી હતી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ હાજર થયા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.
અમૃતપાલ કરી શકે છે આત્મસમર્પણ
અમૃતપાલ, ડ્રાઈવર અને કાકા ત્રણેય શનિવારે એક જ મર્સિડીઝ કારમાં ભાગી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ પણ ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે. ડીઆઈજી સ્તરના અધિકારી અમૃતપાલના આત્મસમર્પણ માટે તેના કાકા હરજીત સિંહ સાથે વાતચીત કરી રહ્યા છે. સાથે જ હરજીત સિંહ પાસેથી 32 બોરની પિસ્તોલ અને એક લાખ રૂપિયા મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ અમૃતપાલ સિંહને ડામવાની શરૂઆત અમિત શાહ અને ભગવત માનની બેઠકથી જ થઈ હતી, જાણો શું હતી યોજના
પંજાબમાં હાઈ એલર્ટ
જણાવી દઈએ કે, 18 માર્ચથી શરૂ થયેલી પંજાબ પોલીસની કાર્યવાહી 19 માર્ચે પણ ચાલુ રહી હતી. પોલીસે અત્યાર સુધીમાં 112 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 7 ગેરકાયદેસર હથિયારો, 300થી વધુ ગોળીઓ, 3 વાહનો જપ્ત કર્યા છે. આ સાથે કેટલાક ફોન પણ મળી આવ્યા છે જેને ટેક્નિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાન-આઈએસઆઈ સાથેના તેમના સંબંધો પણ સામે આવ્યા છે. પંજાબમાં પણ હાઈ એલર્ટ જારી છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન અમૃતપાલ સિંહના ફાયનાન્સર દલજીત સિંહ કલસીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કલસીના ફોન અને તેની સાથે જોડાયેલા લોકોમાંથી પાકિસ્તાની નંબરો મળી આવ્યા છે.