ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીએ FSL તપાસ કરવાની માગ કરી

  • મે કોઈ ગુનો નથી કર્યો, પરંતુ પોલીસે મને માર માર્યો: પાયલ ગોટી
  • બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી ન્યાયની માગ કરી
  • જેલ બહાર આવતાની સાથે જ પાયલે ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું

અમરેલી લેટરકાંડમાં જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી ન્યાયની માગ કરી છે. જેમાં અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર દીકરી પાયલ ગોટીને 3 જાન્યુઆરીના રોજ જામીન મળ્યા બાદ જેલમુક્ત કરાઈ હતી.

જેલ બહાર આવતાની સાથે જ પાયલે ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું.

જેલ બહાર આવતાની સાથે જ પાયલે ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું. જેલમુક્ત થયા બાદ આજે રવિવારે સૌપ્રથમ વખત પાયલ ગોટીએ તેમના વતન વીઠલપુરના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલે લેટરકાંડ મામલે FSL તપાસ કરવાની માગ કરી અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

‘સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું’

અમરેલીમાં લેટરકાંડ કેસમાં જેલમુક્ત થયા બાદ સૌપ્રથમ વખત પાટીદાર દીકરી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘કૌશિક વેકરિયા, સીએમને કહેવા માગુ છું કે સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું. લેટરકાંડમાં પત્રની FSL તપાસ કરવામાં આવે. મે કોઈ ગુનો નથી કર્યો, પરંતુ પોલીસે મને માર માર્યો હતો અને જાહેરમાં મારુ અપમાન થયું છે.’

પાયલે રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું

જેલવાસ દરમિયાન પાયલના પરિવાર સાથે અડીખમ ઉભા રહેનારા તમામ સમાજના આગેવાનો અને લોકોનો તેમણે આભાર માન્યો હતો. આ સાથે પાયલે કૌશિક વેકરિયાને ત્રણ પાનાનો પત્ર લખીને ન્યાયની માગ કરી હતી. આ ઉપરાંત પાયલે રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના?

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.

Back to top button