Amreli Highway Accident: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક આજે શનિવારે (23 મે, 2026) રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ટક્કર એટલી ભયાનક હતી કે અલ્ટો કારના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
હાઈવે પર ચક્કાજામ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે
અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કારની અંદર ફસાયેલા ત્રણેય વ્યક્તિઓના પ્રાણ પંખેરૂ ઘટનાસ્થળે જ ઉડી ચૂક્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતકોની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકો પૈકી બે વ્યક્તિઓની ઓળખ જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા અને બાલુબેન ચતુરભાઈ ગઢીયા તરીકે થઈ છે, જ્યારે અન્ય એક મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. લાઠી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ સાથે જ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી સર્જાયો તે જાણવા પોલીસે બસ ચાલકની શોધખોળ અને મુસાફરોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ પણ વાંચો: જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા: ગુજરાતની વિવિધ જેલોના 44 કેદીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી











