ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

I.N.D.I.A.એ વંશવાદી પક્ષોનું ઘમંડી ગઠબંધન છે: અમિત શાહ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. ‘ભાજપ દેશની આશા અને વિપક્ષની નિરાશા છે’ એવો ઠરાવ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે, દેશે નક્કી કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી દેશના પીએમ બનશે, તેમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાના સંદર્ભમાં અમિત શાહે કહ્યું કે તમે દુનિયામાં ક્યાંય પણ જશો તો લોકો પૂછશે કે શું તમે મોદીના ભારતમાંથી આવો છો?

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે, 75 વર્ષમાં આ દેશે 17 લોકસભાની ચૂંટણીઓ, 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. દેશની દરેક સરકારે તેના સમય પ્રમાણે વિકાસ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આજે હું કોઈપણ મૂંઝવણ વિના કહી શકું છું કે સર્વાંગી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિના વિકાસનું કામ નરેન્દ્ર મોદીજીના 10 વર્ષમાં જ થયું છે. મોદીજીએ માત્ર 10 વર્ષમાં પરિવારવાદ, જાતિવાદ, તુષ્ટિકરણનો અંત લાવી દીધો છે.

વિપક્ષો તેમનાં બાળકોને પીએમ, સીએમ બનાવવા માંગે છે

વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું કે, ‘કોંગ્રેસ તુષ્ટિકરણ માટે જાણીતી રાજવંશી પાર્ટીઓનું નેતૃત્વ કરે છે. જ્યારે અમારી પ્રાથમિકતા હંમેશા દેશ છે. અમે દેશના વિકાસ માટે જ્યારે વિપક્ષ INDIA ગઠબંધન વિશે વિચારે છે. તેમના સંતાનોને વડાપ્રધાન, મુખ્યમંત્રી બનાવવા વિચારે છે. દલિત, આદિવાસી અને પછાત સમાજને એક વોટ બેંકની જેમ કોંગ્રેસ અને INDI ગઠબંધન ઉપયોગ કરે છે. પરંતુ તેમને પહેલીવાર સમ્માન અને ભાગીદારી આપવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યું છે.

અમિત શાહે AAP પર સાધ્યું નિશાન

AAP પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું, આજે તમારા બધાના માધ્યમથી હું ભાજપના કરોડો કાર્યકરોને કહેવા માંગુ છું કે આગામી ચૂંટણીમાં બે છાવણીઓ સામ-સામે છે. એક તરફ મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધન છે અને બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વમાં તમામ વંશવાદી પક્ષોનું ઘમંડી ગઠબંધન છે. આ ઘમંડી ગઠબંધન ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ જાણે છે અને ભાજપ-એનડીએ ગઠબંધન પ્રથમ રાષ્ટ્રના સિદ્ધાંત પર ચાલતું ગઠબંધન છે. જ્યારે કોંગ્રેસ આટલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તો તેના મિત્રો કેમ પાછળ રહેશે? આમ આદમી પાર્ટીએ દારૂ કૌભાંડ, મોહલ્લા ક્લિનિક અને બીજા ઘણા કૌભાંડો કર્યા, લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં પણ કૌભાંડો કર્યા. તેથી જ આજે તેમનું સમગ્ર નેતૃત્વ કોર્ટ અને એજન્સીઓથી દૂર ભાગે છે.

‘રામ મંદિરના આમંત્રણને પણ નકારી કાઢ્યું’

શાહે કહ્યું- મોદીજીના 10 વર્ષમાં આજે દેશ વિકસિત ભારતના સપના સાથે આગળ વધી રહ્યો છે. દૂર દૂર સુધી ઘમંડી ગઠબંધનને સત્તા મેળવવાની કોઈ શક્યતા દેખાતી નથી. જેના કારણે આજે તેઓ દરેક બાબતનો વિરોધ કરવા લાગ્યા છે. તેમણે કલમ 370, ટ્રિપલ તલાક, ઓબીસી કમિશનને હટાવવાનો વિરોધ કર્યો હતો અને નારી શક્તિ વંદન કાયદામાં પણ ઘણો વિક્ષેપ ઊભો કર્યો હતો. આજે હું અહીંથી કોંગ્રેસને ચેતવણી આપવા માંગુ છું કે રામ લલ્લાના અભિષેક માટેના આમંત્રણને ફગાવીને તમે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવાથી માત્ર દૂર જ નથી પડયા, પરંતુ તમે દેશ બનાવવાની પ્રક્રિયાથી પણ દૂર રહ્યા છો. મહાન દેશની જનતા આ જોઈ રહી છે અને યાદ પણ કરી રહી છે.

આ ઉપરાંત, ભાજપના અધિવેશનમાં અમિત શાહે TMC, શરદ પવારના NCP જૂથને પણ આડે હાથ લીધા હતા. મહત્ત્વનું છે કે, આ અધિવેશન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: હેલો, હું અમિત શાહ બોલું છું, તમને ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે

Back to top button