અલકા યાજ્ઞિક વાયરલ એટેકનો બની શિકાર! સાંભળવાનું થયું બંધ, આઘાતમાં પડી સિંગર
- 90ના દાયકામાં બોલિવૂડના ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનારી ગાયિકા અલકા યાજ્ઞિક એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત
નવી દિલ્હી, 18 જૂન: 90ના દાયકામાં બોલિવૂડના ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનારી ગાયિકા અલકા યાજ્ઞિક એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત છે. સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતી વખતે અલકા યાજ્ઞિકે કહ્યું કે, હવે તે સાંભળી શકતી નથી. વાયરલ એટેક પછી તે આ સમસ્યાથી પીડાઈ રહી છે અને એક દિવસ ફ્લાઈટમાંથી બહાર આવતી વખતે તેને અહેસાસ થયો કે તે સાંભળી શકતી નથી. પોતાની સમસ્યા વિશે માહિતી આપતાં અલકાએ તેના ચાહકો અને સાથી કલાકારોને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની સલાહ આપી હતી.
View this post on Instagram
અલકાએ તેની સ્ટોરી શેર કરી
ઈન્સ્ટાગ્રામ પર આ સમસ્યાનું વર્ણન કરતા અલકા યાજ્ઞિકે લખ્યું કે, ‘મારા તમામ ચાહકો, મિત્રો, ફોલોઅર્સ અને શુભેચ્છકો. થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હું ફ્લાઇટમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે મને અચાનક અહેસાસ થયો કે, હું કંઈપણ સાંભળી શકતી નથી. આ ઘટના પછીના અઠવાડિયામાં થોડી હિંમત ભેગી કર્યા પછી, હવે હું મારા મિત્રો અને શુભચિંતકોની ખાતર આ બાબતે મારું મૌન તોડવા માંગું છું જેઓ મને સતત પૂછતા હતા કે, હું ક્યાં ગુમ રહું છું.
અલકાએ વધુમાં કહ્યું કે, ‘મારા ડૉક્ટરોએ તેને રેયર સેંસરી નર્વ હિયરિંગ લોસ ડાયગ્નૉસ કર્યું છે, જે વાયરલ હુમલાને કારણે થયું છે. અચાનક આવેલા આ મોટા હુમલાએ મને ચોંકાવી દીધી છે. હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું, તે દરમિયાન કૃપા કરીને મને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.
અલકા યાજ્ઞિક આ સલાહ આપી
ચાહકો અને તેના સાથી ગાયકોને સલાહ આપતા અલકા યાજ્ઞિકે લખ્યું કે, ‘હું મારા ચાહકો અને યુવા સાથીઓને હેડફોન અને લાઉડ મ્યુઝિક અંગે ચેતવણી આપવા માંગુ છું. કોઈક દિવસ હું મારા વ્યવસાયિક જીવનમાં સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે ચોક્કસપણે વાત કરીશ. તમારા બધાના પ્રેમ અને સમર્થન સાથે, હું મારા જીવનને પાટા પર લાવવાની આશા રાખી રહી છું અને ટૂંક સમયમાં તમને ફરીથી મળવાની આશા રાખું છું. આ નિર્ણાયક સમયમાં તમારો સાથ અને સમજણ મારા માટે ઘણું અર્થપૂર્ણ છે.
અલકા માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. 25થી વધુ ભાષાઓમાં 21 હજારથી વધુ ગીતોનો રેકોર્ડ બનાવનારી અલકા યાજ્ઞિક બે વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. 2022માં, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ કરાયેલા કલાકાર તરીકે માન્યતા આપી હતી.
આ પણ જુઓ: બકરી ઈદ પર વેજિટેરિયન્સ વિરુદ્ધ ભડાસ કાઢી સ્વરાએ, અભિનેત્રી થઈ ટ્રોલ