હવે હોલીવુડમાં અભિનય કરશે ‘અલી ફઝલ’ : ‘વુમન ઓફ અફઘાનિસ્તાન’ પર આધારિત ફિલ્મમાં ભજવશે મહત્વની ભૂમિકા


વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી જાણીતા થયેલાં અભિનેતા અલી ફઝલ હવે હોલીવુડ ફિલ્મમાં અભિનય કરવાં જઈ રહ્યો છે. અલબત્ત, અભિનેતાએ બોલિવૂડમાં વધુ કામ કર્યું નથી. પરંતુ તે ઝડપથી પોતાના અભિનયથી નામ કમાઈ રહ્યો છે. ગયા વર્ષે, અભિનેતા ફિલ્મ “કંદહાર” નો એક ભાગ હતો, જેમાં તે ગેરાર્ડ બટલરની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. દરમિયાન, તેના નવા હોલીવુડ પ્રોજેક્ટનું નામ બહાર આવ્યું છે. અલી ફઝલ આગામી સમયમાં ‘અફઘાન ડ્રીમર્સ’માં જોવા મળશે, જેનું નિર્દેશન બે વખતના ઓસ્કાર વિજેતા દિગ્દર્શક બિલ ગુટેનટેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : પુત્રીને જોઈને આંસુ ન રોકી શક્યો રણબીર કપૂર !

સત્ય ઘટના પર આધારિત છે ફિલ્મ
ફિલ્મ ‘અફઘાન ડ્રીમર્સ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જેમાં અફઘાન ટેક ઉદ્યોગસાહસિક, રોયા મહેબૂબ દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવેલા અભિયાનને દર્શાવવામાં આવશે. તેમણે આ દેશમાં પિતૃસત્તાક સમાજ હોવા છતાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવામાં યુવતીઓને મદદ કરી હતી. આ ફિલ્મ સંપૂર્ણ રીતે અફઘાન છોકરીઓની વાર્તા પર કેન્દ્રિત હશે, જેણે વિશ્વભરમાં પ્રવાસ કર્યો અને સ્પર્ધાઓમાં ભાગ લઈને મીડિયાનું ધ્યાન ખેંચ્યું. આટલું જ નહીં, આ યુવતીઓ દુનિયાભરના અગ્રણી રાજનેતાઓને પણ મળી હતી. આ ફિલ્મમાં રોયાની ભૂમિકા કેનેડિયન એક્ટ્રેસ નિકોલ બુશેરી ભજવશે, જે ડ્રામા ‘ધ બોલ્ડ ટાઈપ’ માટે જાણીતી છે.

‘અફઘાન ડ્રીમર્સ’નો ભાગ બનીને ખુશ છે અલી ફઝલ
મળતી માહિતી મુજબ, ‘અફઘાન ડ્રીમર્સ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મનું શેડ્યૂલ 50 દિવસનું હશે. ફિલ્મનું શૂટિંગ મોરોક્કોમાં ચાલી રહ્યું છે અને ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મોરોક્કો ઉપરાંત બુડાપેસ્ટમાં કરવામાં આવશે. આ ફિલ્મ વિશે વાત કરતાં અલી ફઝલે કહ્યું, “હું આ સમાચાર શેર કરવા અને બિલ દ્વારા નિર્દેશિત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અફઘાન ડ્રીમર્સ એક એવી વાર્તા છે, જે કહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું આ ફિલ્મનો ભાગ બનીને પોતાને ભાગ્યશાળી માનું છું.