અમદાવાદીઓ માણશે વોટરપાર્કની મજા, જાણો કેટલી છે રાઈડ્સ અને કેટલો થશે ખર્ચ
અમદાવાદ, 11 માર્ચ 2024, ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ઠંડી જગ્યાઓ, હિલ સ્ટેશનો અથવા તો વોટર પાર્કમાં જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં AMC દ્વારા સંચાલિત જલધારા વોટર પાર્ક ફરીવાર શરૂ કરવામાં આવ્યો છે. 35 લાખના ખર્ચે જલધારા વોટરપાર્કનું રીનોવેશન કરીને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. માત્ર 450 રૂપિયાના દરે વોટરપાર્કમાં મજા માણી શકાશે.તાજેતરમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન જલધારા વોટર વર્લ્ડનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી બંધ હાલતમાં હતું
AMC સંચાલિત જલધારા વોટરપાર્કનું વર્ષ 2002માં લોકાર્પણ થયું હતું. 2018 સુધી દર વર્ષે ઉનાળામાં અમદાવાદીઓ તેનો આનંદ માણતા હતાં. ત્યારબાદ કોન્ટ્રાક્ટ પૂરો થતા ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી તેમજ કોરોનાકાળનો કપરો સમય ચાલતો હોવાથી સાલ 2023 સુધી આ વોટરપાર્ક બંધ રાખવામાં આવ્યો હતો.2024ની શરૂઆતમાં ફરીથી જલધારા વોટરપાર્ક શરૂ કરવા માટે AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ભાજપના અમરાઇવાડી વોર્ડના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલને 35 લાખ ખર્ચે જલધારા વોટરપાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
રીનોવેશન બાદ CM ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ
જલધારા વોટર વર્લ્ડના મેનેજર શૈલેષભાઈ ચાવડાએ HD ન્યુઝ સાથે વોટરપાર્કની આધુનિક વિશેષતાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જલધારા વોટરપાર્કમાં નાની મોટી થઈને કુલ 27 જેટલી રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. પહાડોમાં જે રીતે ઝરણા વહેતા હોય તેવી રાઈડ્સ તૈયાર કરીને અમદાવાદીઓનું મન પ્રફુલ્લિત થઇ જાય તેવો સુંદર મજાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શૈલેષભાઈ ચાવડાએ વધુ માહિતી આપણા જણાવ્યું હતું કે અહીં આવતા ગ્રાહકો માટે નાસ્તા તથા લંચ માટે અદ્યતન આધુનિક કેફેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે યુવાનોને આકર્ષે તેવું આર્કેડ ગેમ અને બોલિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વ્યક્તિને પરવડે તેવી 450 રૂપિયા જેટલી સામાન્ય ફી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃસિટી બ્યુટી કોમ્પિટિશનની કોમર્શિયલ કેટેગરીમાં અમદાવાદનું ગુજરી બજાર પ્રથમ ક્રમે