ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો

અમદાવાદ, 25 એપ્રિલ 2026:  અમદાવાદના વાસણા વિસ્તારમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝૂડ કરતો હતો. તેમજ પતિએ પુત્રની બિમારીનો રિપોર્ટ સારો ન આવતા પત્નીને ઊંઘની ગોળીઓ આપી સૂવડાવી પણ દીધી હતી.

14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો પણ વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન વર્ષ 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. 15 એપ્રિલના રોજ અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઊંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

જોકે, ગીતાબેનના ભાઈએ વીડિયો કોલ કરતા બહેન અર્ધબેભાન અવસ્થામાં જણાતા તેઓ તાત્કાલિક બહેનના ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન મૃતક મહિલાના જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફિ સાથે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતક મહિલાના ભાઈએ અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: મહેસાણામાં ચૂંટણી બની લોહિયાળ: ભાજપ ઉમેદવારના ભાણાની છરી મારી હત્યા કરી નાખી

Back to top button