અમદાવાદ: ભગવાન જગન્નાથના રથને બનાવવાથી લઈને ખેંચવા સુધીનું મહત્વ; ખલાસી સમાજ વગર શક્ય નથી

17 જૂન 2025 અમદાવાદ: શહેરમાં 27 જૂનના રોજ નીકળનારી 148મી રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જળયાત્રા પણ સુખદ રીતે સંપન્ન કરવામાં આવી છે. ત્યારે શું તમને ખબર છે કે બે વર્ષ પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રનાં નવા રથ બનાવવામાં આવ્યા હતા. વર્ષો વર્ષ સુધી ચાલેલા જુના રથો આજે પણ ભગવાન જગન્નાથ મંદિરની સામેનાં પ્રાંગણમાં રાખવામાં આવ્યા છે. તેની જ બાજુમાં નવા રથો જે આ વર્ષે નગરયાત્રાએ નીકળવાના છે તેને પણ સંપૂર્ણપણે તૈયાર કરીને રાખી દેવામાં આવ્યા છે. આ તમામ તૈયારીઓમાં ખલાસી સમાજનું વિશેષ મહત્વ છે. કારણકે એવું કહેવાય છે કે ખલાસી સમાજ વગર ભગવાન જગન્નાથ રથયાત્રા માટે મંદિરની બહાર નીકળી શકતા નથી! ત્યારે આ કહેવત પાછળ શું છે ધાર્મિક પરંપરા અને ઇતિહાસ? આવો જાણીએ વિગતવાર.
રથ ખેંચવાની સંપૂર્ણ જવાબદારી ખલાસી સમાજની
જીગરભાઈ કોન્ટ્રાક્ટર HD ન્યુઝ સાથે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 147 વર્ષથી રથ ખેંચનાર એસોસિએશન થકી રથની સંપૂર્ણ જાળવણી અને રથયાત્રાના દિવસે સવારે 7 વાગે CM ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ મંદિરેથી નગર ચર્યાએ નીકળવાથી લઈ મોડી સાંજે નિજ મંદિરે પરત ફરવા સુધીની રથ ખેંચવાની સંપૂર્ણ જવાબદારી ખલાસી સમાજની હોય છે.
ખલાસી સમાજ માટે દિવાળી કરતાં પણ વિશેષ તહેવાર
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજથી 147 વર્ષ પહેલાં ખલાસી સમાજના તે સમયના આગેવાનો તેમજ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભગવાન જગન્નાથની ઉજવણી તથા ઘણા લોકો જે મંદિરે દર્શને ભગવાન જગન્નાથનાં દર્શને આવી ન શકતા હોય તેમને ભગવાન ઘરે ઘરે જઈને આ દિવસે દર્શન આપે તેવો વિચાર કરી અમદાવાદ શહેરમાં રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયથી લઈને આજના સમય સુધી ભગવાન જગન્નાથના રથને કાઢવાથી લઈને મંદિરમાં પરત લાવવા સુધીની સંપૂર્ણ જવાબદારી ખલાસી સમાજની રહી છે. ખલાસી સમાજ માટે રથયાત્રાનો તહેવાર એટલે દિવાળી કરતાં પણ વિશેષ માનવામાં આવે છે. ખલાસી સમાજના યુવાનો, વડીલો મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી બે મહિના પહેલા જ પોતાના કામ ધંધા મૂકીને અમદાવાદ પહોંચી જાય છે.
એક રથને ખેંચવા માટે 500 યુવાનોની જરૂરિયાત
જીગરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા નીકળતી વખતે સૌથી પહેલું રથ ભગવાન જગન્નાથનો રાખવામાં આવે છે જે બાદ બીજો રથ માતા સુભદ્રાનો રાખવામાં આવે છે અને છેલ્લે એટલે કે ત્રીજા નંબરે ભગવાન બલભદ્રને રાખવામાં આવે છે. આ રીતે ક્રમ મુજબ ત્રણેય રથો અમદાવાદ શહેરમાં લઈ જવામાં આવે છે. એક રથ લઈ જવા માટે ઓછામાં ઓછા 500થી વધુ ખલાસી સમાજના યુવાનો, વડીલો જરૂરિયાત હોય છે. આ રીતે ત્રણેય રથને લઈ જવા માટે તમામ યુવાનોને પોતાનું કાર્ય સોંપી દેવામાં આવે છે અને તમામ લોકો સાથે મળીને સહકાર સાથે ભક્તિભાવ અને ભગવાન જગન્નાથના નારા અને ઉમંગ સાથે કાર્ય પૂર્ણ કરતા હોય છે. આ તમામ તૈયારીઓ રથયાત્રાના બે મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે. અને રથયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ ત્રણેય રથોને ફરીથી વ્યવસ્થિત રીતે કોઈ પણ નુકસાન થયું હોય તો સમારકામ કરીને બીજા વર્ષ માટે મૂકી દેવામાં આવે છે.












