અમદાવાદની સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર દંડ ફટકાર્યો, જાણો શું છે આ કેસ


અમદાવાદ, 26 માર્ચ 2025: અમદાવાદની સેશન કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજય સિંહ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને નેતાઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ પીએમ મોદીની ડિગ્રી પર માનહાનિના કેસમાં 10-10 હજારના દંડની સજા સંભળાવી છે. તેની સાથે જ સેશન કોર્ટે રિવ્યૂ પિટીશન પણ સુનાવણી માટે સ્વીકાર કરી લીધો છે.
કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ થયો
આ અગાઉ મેટ્રો કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. તો વળઈ ટાઈમ લિમિટ પતી જતાં બંને નેતાઓના વકીલ દ્વારા તાજેતરના દિવસોમાં સેશન કોર્ટમાં પહોંચીને અરજી દાખલ કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પીએમ મોદીની ડિગ્રી પર સવાલો ઉઠાવ્યા હતા. તેના પર વાંધો દર્શાવતા 2023માં ગુજરાત યુનિવર્સિટી તરફથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમાં યુનવર્સિટીએ બંને નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવીને તેમણે યુનિવર્સિટીને બદનામ કરી છે.
રિવ્યૂ પિટીશનમાં 308 દિવસ મોડું કર્યું
મેટ્રો કોર્ટમાં સુનાવણી બાદ બંને નેતાઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં અરવિંદ કેજરીવાલે તેના વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં અરજી દાખલ કરી પોતાની અને સંજય સિંહ માટે અલગ અલગ સુનાવણીની માગ કરી હતી. જો કે મેટ્રો કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદ સેશન કોર્ટમાં 308 દિવસ બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી અને મોડું કરવા બદલ માફી માગી હતી. તો વળી સંજય સિંહે 346 દિવસ બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી. તેમણે પોતાની દલીલ આપતા જણાવ્યું હતું કે તેઓ થોડા સમય માટે જેલમાં હતા. એટલા માટે અરજી કરવામાં મોડું થઈ ગયું.
બંને નેતાઓ પર 10-10 હજારનો દંડ
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ સેશન કોર્ટે અરજી સુનાવણી માટે સ્વીકાર કરી લીધો. કોર્ટે ન્યાય હિતમાં મોડેથી અરજીનો સમય માફ કરતા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર 10-10 હજાર રુપિયાનો દંડ લગાવ્યો, જે યુનિવર્સિટીને આપવામાં આવશે.