ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad: નિકોલમાં કરોડોની જ્વેલરી ચોરીનો પર્દાફાશ, પ્રેમી સાથે ફરાર થયેલી સેલ્સગર્લ ઝડપાઈ

Ahmedabad Nikol Jewellers Theft Case: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા જ્વેલરી શોરૂમમાંથી ₹1.11 કરોડથી વધુના સોનાના દાગીના ગાયબ થવાની ઘટનાએ વેપારી વર્તુળમાં ભારે ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં શોરૂમ મેનેજમેન્ટને સ્ટોકમાં સામાન્ય ગડબડ હોવાની શંકા હતી, પરંતુ આંતરિક તપાસ અને CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ભેદ ખુલ્યો હતો. શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતી પોતાના પ્રેમી સાથે મળીને લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે દાગીના ચોરી રહી હતી. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો જ્વેલરી શોરૂમ આવેલો છે. શોરૂમના માલિક દર્શનભાઈ જૈન દ્વારા નિયમિત રીતે સ્ટોક વેરિફિકેશન અને ઓડિટ કરવામાં આવતું હતું. તાજેતરમાં થયેલી આંતરિક તપાસ દરમિયાન સ્ટોક અને હિસાબમાં મોટી ગડબડ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કુલ 1,211.991 ગ્રામ જેટલું સોનું શોરૂમમાંથી ગાયબ છે. ચોરાયેલા દાગીનામાં સોનાની ચેઈન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ અને કિંમતી ઘડિયાળ સહિતના અનેક આભૂષણોનો સમાવેશ થતો હતો, જેની કુલ કિંમત અંદાજે ₹1.11 કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું છે.

શોરૂમ મેનેજમેન્ટ માટે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે સ્ટોકમાં ગડબડ સામે આવતા જ ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ કારણે શંકાની સોય સીધી તેની તરફ વળી હતી. માલિકે સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તપાસ દરમિયાન પોલીસે શોરૂમના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં હર્ષિદા શોરૂમના કબાટમાંથી દાગીના કાઢીને પોતાના કપડાંમાં અને ગજવામાં છુપાવતી સ્પષ્ટ દેખાઈ હતી. કેટલાક વીડિયોમાં તે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગમાં દાગીના મૂકી બહાર નીકળતી પણ જોવા મળી હતી. આ દ્રશ્યો સામે આવતા પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં પરંતુ અંદરથી જ કરવામાં આવી છે.

મામલાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન ટ્રેકિંગ અને અલગ-અલગ CCTV ફૂટેજના આધારે આરોપી યુવતીની હિલચાલ પર નજર રાખી હતી. આખરે બાતમીના આધારે હર્ષિદાને અમદાવાદમાંથી જ ઝડપી લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે સમગ્ર કાવતરામાં તેના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી.

પ્રાથમિક તપાસ મુજબ બંનેએ અગાઉથી આયોજન બનાવી ધીમે-ધીમે દાગીના ગાયબ કર્યા હતા જેથી શોરૂમ મેનેજમેન્ટને તરત જ શંકા ન જાય. પોલીસનું માનવું છે કે લાંબા સમયથી થોડા-થોડા દાગીના ચોરી કરીને સ્ટોકમાં ગડબડ ઉભી કરવામાં આવી હતી. ચોરી બાદ બંને દિલ્હી અને ઋષિકેશ જેવા શહેરોમાં ફરવા પણ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વૈભવી જીવન જીવવાની ઈચ્છા અને ઝડપથી પૈસા કમાવાની લાલચે બંનેએ આ ગુનો કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આરોપી યુવતીનો પ્રેમી અમદાવાદમાં પ્રિન્ટિંગ મશીન સંબંધિત કામ કરતો હતો અને તે પણ સમગ્ર પ્લાનિંગમાં સામેલ હતો. બંનેએ મળીને દાગીના ક્યાં છુપાવવાના, કેવી રીતે વેચવાના અને પોલીસથી કેવી રીતે બચવાનું તે અંગે અગાઉથી તૈયારી કરી હતી.

હાલ પોલીસે બંને આરોપીઓના બેન્ક એકાઉન્ટ, નાણાકીય લેવડદેવડ અને મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)ની સઘન તપાસ શરૂ કરી છે. ચોરાયેલા દાગીના ક્યાં વેચવામાં આવ્યા, કોને સોંપાયા અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ કે જ્વેલર્સની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

આ સમગ્ર ઘટનાએ જ્વેલરી ઉદ્યોગમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા કર્યા છે. શોરૂમમાં કામ કરતા કર્મચારીઓની બેકગ્રાઉન્ડ ચકાસણી, સ્ટોક મોનિટરિંગ અને સુરક્ષા પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતની 2,936 શાળામાં ફક્ત એક શિક્ષક, નીતિ આયોગના રિપોર્ટથી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી

 

Back to top button