
Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત થયું છે. ઘટનાને વધુ ગંભીર બનાવતી વાત એ છે કે, શરૂઆતમાં આ અકસ્માત છુપાવવા માટે ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર તગારું મૂકવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મામલો શંકાસ્પદ બની ગયો હતો. બાદમાં પતિની ફરિયાદના આધારે પોલીસએ પત્ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અમરાઈવાડીના સિદ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઇન સામે રહેતા દિપક મકવાણા લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની મોનિકા મકવાણા અને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી સાત વર્ષની છે અને નાની માત્ર અઢી મહિનાની હતી. ઘટનાના દિવસે દિપક રાબેતા મુજબ નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની મોનીકા અને બે દીકરી ઘરે હાજર હતી. દિપકને ગેસનો સિલિન્ડર બુક કરવાનો હોવાથી તે અમરાઈવાડી લાઈનમાં ઉભો હતો ત્યારે તેમના પડોશી હંસાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે ફટાફટ ઘરે આવી જાઓ. પતિ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પડોશીઓના ટોળા એકત્રિત હતા અને બાળકી સાથે અણધારી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. તરત જ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દીકરીના મોત બાદ મોનીકાએ રડતા રડતા દિપકને કહ્યું કે મારાથી ભુલ થઈ ગઈ છે. મોનીકાએ જણાવ્યુ કે આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા માટે નીચે ગઈ હતી ત્યારે દીકરી મારી સાથે હતી. મોનીકાનો પગ પોતા ઉપર આવતા દીકરી તેના હાથેથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી હતી.મોનીકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી જેથી તે ગભરાઈ ગઈ હતી. મોનીકા ઉપર આરોપ આવે નહી તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણુ બંધ કરી દીધુ હતું અને તેની ઉપર તગારૂ મુકી દીધુ હતું.
બાદમાં પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી છે.












