અમદાવાદઃ શાંતિપુરા મનુભાઈની ચાલીનો રસ્તો બંધ થતાં સ્થાનિક રહીશોમાં નારાજગી
- શાંતિપુરા મનુભાઈની ચાલીના રહીશો મૂંઝવણમાં મુકાયા; લોકોએ રસ્તો આપવા કરી માંગ; અર્બન સેન્ટરનાં રીડેવલપમેન્ટ કરાતા પ્રશ્ન જટિલ બન્યો
અમદાવાદ, 16 મે, 2024: અમદાવાદ શહેરની શાંતિપુરા મનુભાઈની ચાલીમાં આશરે 500 થી વધુ રહીશો અર્બન સેન્ટરનું રીડેવલપમેન્ટ થતા મૂંઝવણમાં મુકાયા છે. આશરે 50 વર્ષથી શાહીબાગના જેઠાલાલ પરમાર મ્યુ ગાર્ડનનો કોર્ટ તૂટી જવાથી ચાલીના રહીશો આ રસ્તાનો ઉપયોગ ગાર્ડનમાં બેસવા તેમજ બીમાર વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે લાવવા લઈ જવા માટે કરે છે. તેવામાં કોર્પોરેશન દ્વારા અર્બન સેન્ટરનો વિકાસ કરવા માટે નવેસરથી બનાવવાનો નિર્ણય લેતા આ માર્ગ બંધ કરાશે તો સમસ્યા ઊભી થશે જેના કારણે ચાલીમાં એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ આવી શકે તેવો રસ્તો અથવા કોઇ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કોર્પોરેશન પાસે માંગણી કરાઈ છે.
અર્બન સેન્ટરનાં રીડેવલપમેન્ટ કરાતા પ્રશ્ન જટિલ બન્યો
શાહીબાગ વોર્ડના સિવિલ હોસ્પિટલ રોડ પર જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જેઠાલાલ પરમાર ગાર્ડન આવેલો છે. જેની પાછળની સાઈડ શાંતિપુરા મનુભાઈની ચાલી જ્યાં આશરે 500 થી વધુ પરિવારો 100 વર્ષ જેટલા સમયથી વસવાટ કરે છે. ચાલીની ગલીઓ ખૂબ જ નાની હોવાથી ત્યાં માત્ર ચાલવાનો રસ્તો શેષ માત્ર છે. સમગ્ર ચાલીમાંથી કોઈ વાહન પણ નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને મોટા વાહનોની વાત કરીએ તો તેઓ ચાલીમાં પ્રવેશી શકતા નથી. જેઠાલાલ પરમાર ગાર્ડનની બાજુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે. તે સમગ્ર જગ્યા કોર્પોરેશનની છે. ગાર્ડનની પાછળનો કોર્ટ તૂટી ગયો હોવાથી ચાલીના રહીશો આ રસ્તાનો ઉપયોગ ગાર્ડનમાં બેસવા તેમજ એમ્બ્યુલન્સ દ્વારા કોઈ બીમાર વ્યક્તિને લાવવા, લઇ જવા અથવા ફાયર બ્રિગેડના આવન જાવન માટે કરે છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા અર્બન સેન્ટર વધુ સારું અને સુદઢ બને જે માટે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ચાલીનાં રહીશોએ અર્બન સેન્ટર થી મુખ્ય રોડ પર જઈ શકાય ત્યાં દરવાજો મૂકી રસ્તો કરવા અથવા ચાલીની આગળની સાઈડથી ચાલીમાં એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ આવી શકે તે રીતે રસ્તો કરી આપવા માંગણી કરી છે.
સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરાશે: ACE અધિકારી
આ પ્રશ્ન અંગે એચડી ન્યૂઝની ટીમે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારી ચાલીમાં 500 થી વધુ મકાનો આવેલા છે. ગાર્ડનનો કોટ તૂટી ગયો હોવાથી ત્યાંથી સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો ખૂબ જ નજીક છે. આ રસ્તાનો ઉપયોગ ચાલીના સિનિયર સિટીઝન ગાર્ડનમાં બેસવા માટે કરે છે. ચાલીમાં નાના ઝુંપડા હોવાથી સિનિયર સિટીઝન માટે આ બગીચો અને રસ્તો સ્વર્ગ સમાન લાગે છે. ઉપરાંત બીમાર વ્યક્તિને લાવવા લઈ જવા હોસ્પિટલ સિવિલ નજીક પડે છે. પરંતુ હાલમાં રસ્તાવાળા મેદાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ દવાખાનાનું આયોજન કરીને મેદાન અને રસ્તો બંધ કરવાનું નક્કી કરીને અમારા સિનિયર સિટીઝન અને બીમાર લોકો માટે આ રસ્તો બંધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બીમાર વ્યક્તિને લઈ જવા લાવવામાં ખૂબ જ સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. તેમજ બાળકોને રમત-ગમત કરવાની અને સિનિયર સિટીઝનને ગાર્ડનનો ઉપયોગ કરવા માટે ખૂબ જ તકલીફ પડશે. જે બાબતે અમોને એમ્બ્યુલન્સ આવે તેટલો રસ્તો કરી આપવામાં આવે તેમજ આ અંગે ગિરધરનગર વિસ્તારના શાહીબાગ વોર્ડનાં આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર મુકેશ ડોડીયા સાથે એચડી ન્યૂઝની ટીમે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રશ્ન ખૂબ જ જટીલ છે. તેનો સમાધાન લાવવાનું પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે જેથી સ્થાનિકોને કોઈપણ પ્રકારનો સમસ્યાનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં AMC દ્વારા 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ તૈયાર કરવાનો આજે રેકોર્ડ સર્જાશે