શેરબજારના નામે 83.50 લાખની ઠગાઈના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ, કોર્ટે 2 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરીને ઝડપથી કરોડપતિ બનવાનું સપનું બતાવી લોકોના પૈસા લૂંટનારી એક રીઢી ગેંગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આરોપી શૈલેષકુમાર ઉર્ફે ભુરો હીરાભાઈ ચૌધરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ગ્રામ્ય કોર્ટે તેના 2 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ગેંગે છેલ્લા 9 મહિનામાં આશરે 5થી 6 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી કરી છે. આ વખતે ફરિયાદી અક્ષય જાંબુચા પાસેથી રૂ. 83,50,000ની રકમની ઠગાઈ કરી હતી. સરકારી વકીલ ધીરુ જે. પરમારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે, શૈલેષ ચૌધરી અને તેના સાથી આર્યન ઉર્ફે લખને મળીને ફરિયાદીના બેંક એકાઉન્ટનું એક્સેસ અને કોરા ચેકબુક અન્ય લોકોને સોંપી દીધા હતા.
આંગડિયા મારફતે પૈસા સગેવગે કર્યા
આરોપીએ હર્ષદસિંહ ઉર્ફે મામા, દીપક ગોહિલ અને અન્ય સાથીઓની મદદથી ચેકો દ્વારા નાણાં ઉપાડ્યા અને અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી આંગડિયા મારફતે પૈસા સગેવગે કર્યા. આરોપી શૈલેષે “જેફ” નામના એક વ્યક્તિને ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા બેંક ડિટેઈલ્સ પણ પૂરી પાડી હતી. હવે પોલીસ આ “જેફ”ની ઓળખ અને આખા સાયબર ફ્રોડ નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.
ધરપકડ વખતે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને 4 સિમ કાર્ડ મળી આવ્યા છે. આ ફોનમાંથી ડેટા રિકવર કરવા, ટેક્નિકલ ફોરેન્સિક તપાસ કરવા અને લૂંટાયેલા પૈસાની રિકવરી માટે આરોપીની હાજરી અનિવાર્ય હોવાથી કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે.
હાલમાં હર્ષદસિંહ, દીપક ગોહિલ અને આર્યન સહિત અન્ય સહ-આરોપીઓની શોધખોળ ચાલુ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના આખા જાળને તોડવા માટે તપાસને વધુ તેજ કરી છે.
લોકોને સલાહ
શેરબજાર કે રોકાણના નામે WhatsApp, Telegram અથવા અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર આવતી ઊંચા નફાની લાલચમાં ન પડો. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં હંમેશા SEBI-રજિસ્ટર્ડ બ્રોકર અથવા અધિકૃત પ્લેટફોર્મ મારફતે જ વ્યવહાર કરો. જો આવી કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા હો અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવો અને યોગ્ય પગલાં લો.
આ મામલો એક વખત વધુ દર્શાવે છે કે સાયબર ઠગો કેટલા ચતુર અને સંગઠિત બની ગયા છે. પરંતુ પોલીસની તપાસ પણ ઝડપી બની રહી છે. હવે જોવાનું રહેશે કે આ તપાસ કેટલા મોટા માછલાઓ સુધી પહોંચે છે.
આ પણ વાંચો: Breaking News: વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ નશામાં કાર ચલાવતો ઝડપાયો, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ












