અમદાવાદગુજરાત

હાઈકોર્ટના અવલોકન બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે હથિયારબંધીના જાહેરનામામાં સુધારો કર્યો

અમદાવાદ, 17 જૂન 2024, ગુજરાત હાઈકોર્ટમાં 12મી જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કારમાંથી બેઝ બોલ રમવાની સ્ટીક મળે તો તે વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? પોલીસ અધિકારીઓ દ્વારા તેના વિરૂદ્ધ ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના અવલોકન બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયાર બંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિનાજ જાહેરનામા બહાર પાડવામાં આવશે.

કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને સુધારો કર્યો
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની એક યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક,ખંજર, તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશ્નરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.

જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અને લાઠીનો સમાવેશ કર્યો નથી
પોલીસ કમિશ્નરે સુધારેલા જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કર્યો નથી. હવેથી હથિયાર બંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવશે નહીં તેવું પોલીસ કમિશ્નરની યાદીમાં જણાવાયું છે. તે ઉપરાંત આ પ્રકારના હથિયાર સાથે રાખીને ફરતા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવશે નહીં. તેમ છતાં પોલીસને લાગશે કે આ પ્રકારના હથિયારો સાથે રાખીને ફરતો વ્યક્તિ કોઈ ગુનો કરવા જઈ રહ્યો છે તો તેવા વ્યક્તિઓ સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશ્નરે આ બાબતની જાણ તમામ પોલીસ સ્ટેશનમાં કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં PGમાં રહેતા યુવકનું મોત, રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં

Back to top button