ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

દુબઈમાં સારી નોકરી અપાવવાના બહાને મહિલાને લઈ જવામાં આવી પછી…

  • આ મહિલા ઓમાનના એક ઘરમાં ગુલામ કરતાં બદતર જીવન જીવી રહી છે
  • ઓમાનના પરિવારે જસમીતનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે, કુટુંબના 14 સભ્યો માટે ગુલામની જેમ કામ કરવું પડે છે
  • દોઢ વર્ષથી નર્ક જેવું જીવન જીવી રહેલી મહિલા કહે છે, આરબ માલિક ગુસ્સે થાય તો મોં ઉપર થૂંકે પણ છે

જલંધર, 16 જૂન, 2024: હજુ થોડા દિવસ પહેલાં જ અખાતના દેશ કુવૈતમાં એક રહેણાક મકાનમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 40 ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ આરબ દેશોમાં કમાવા માટે જતા ભારતીયોની હાલત વિશે વધુ એક વખત ચર્ચા અને ચિંતા જગાવી છે. આ સંદર્ભમાં આજતક દ્વારા ઓમાનમાં રહેતી એક ભારતીય મહિલાનો ઈન્ટર્વ્યુ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જસમીતે સમાચાર વેબસાઈટને જણાવ્યું તે અત્યંત ચોંકાવનારું અને પીડાદાયક છે. તે કહે છે કે, ભારતમાં તેનો આખો પરિવાર છે, પરંતુ અતિશય મુશ્કેલીઓમાં છે. તેના પતિને એડવાન્સ સ્ટેજનો ડાયાબીટિસ છે, સસરા પણ ઉંમર અને તેને લગતી બીમારીઓને કારણે પથારીવશ છે. દીકરી હજુ ઘણી નાની છે. પંજાબમાં તેના ઘરે કમાનાર કોઈ નથી. આ દરમિયાન એક પરિચિત મારફત એક એજન્ટનો સંપર્ક થયો. એજન્ટે દુબઈમાં સારામાં સારી નોકરી અપાવવાના બહાને મોટી રકમ પડાવી લીધી અને પછી દુબઈને બદલે તેને ઓમાન પહોંચાડી દીધી. ઓમાનમાં ઘણા દિવસ સુધી એક ફ્લેટમાં બંધ રાખ્યા પછી તેને એક પરિવારને ત્યાં લઈ જવામાં આવી. એ પરિવારમાં 14 સભ્યો છે અને એ બધા માટે હવે તે ગુલામ કરતાં બદતર રીતે કામ કરે છે.

ઓમાનમાં ફસાઈ ગયેલી આ પંજાબી મહિલાએ જણાવ્યું કે, શરૂઆતમાં તેને જે ઘરમાં રાખવામાં આવી હતી ત્યાં તો તેની પાસે ફોન પણ નહોતો. ભારતમાં પરિવાર સાથે વાત પણ કરી શકતી નહોતી. હવે ક્યારેક વાત કરી શકું છું, પરંતુ એમાં બહુ સાવધાની રાખવી પડે છે. વધારે વાત કરી શકાતી નથી અને મારી હાલત પરિવારને જણાવી શકતી નથી.

મહિલાએ કહ્યું કે, આ ઘરમાં 14 સભ્યો છે અને દરેક જણને જ્યારે ઈચ્છા થાય ત્યારે બુમ પાડીને બોલાવે અને મારે દોડીને પહોંચી જવું પડે. કોઈને જરૂર પડે તો મોડી રાત્રે એક વાગ્યે પણ બોલાવે અને કોઈ વહેલી પરોઢે પાંચ વાગ્યે પણ બુમ મારે.

પોતાની પીડાદાયક આપવીતી જણાવતા તેણે કહ્યું, મારા રૂમને સાંકળ પણ નથી. હું રૂમ બંધ કરી શકતી નથી. ઘરમાં રસોઈથી માંડીને તમામ કામ કરવા પડે છે. આમ છતાં જો કશી ભૂલ થાય તો ઘરનો આરબ શેઠ મારા મોં ઉપર થૂંકે અને મારે એ ચૂપચાપ લૂસીને, માફી માગીને કામ કરવાનું ચાલુ રાખવું પડે. મને કદી રજા મળતી જ નથી. ભોજનમાં મને માત્ર બે વખત ભાત મળે છે. ક્યારેક તો માત્ર એક જ વખત ભાત ખાવા મળે અને એ પણ બધા ખાઈ લે પછી વધ્યો હોય તો. તેનો પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યો છે પરિણામે તે ભાગીને ક્યાંય જઈ શકે તેમ પણ નથી.

તેણે કહ્યું કે, મને જે પગાર મળે છે તે ભારતમાં મારા પરિવારને મોકલવામાં પણ અતિશય મુશ્કેલી છે. આ મહિલા જે એજન્ટ મારફત ઓમાન પહોંચી હતી એ એજન્ટે પોતાની કમાણીમાંથી પૈસા આપે છે જેથી તે ભારત પહોંચાડે. પરંતુ એજન્ટ એમાં પણ અપ્રામાણિકતા દાખવીને કટકી કરી લે છે. પૂરા પૈસા ભારત મોકલતો નથી.

મળતી માહિતી મુજબ અખાતના આરબ દેશોમાં સેંકડોની સંખ્યામાં આવી પંજાબી સિખ અને હિન્દુ મહિલાઓ સપડાઈ ગઈ છે જે નથી ત્યાં સારી રીતે જીવી શકતી કે નથી પરત આવી શકતી. આવી અનેક મહિલાઓ પરિવારને પણ પોતાની સાચી સ્થિતિથી વાકેફ કરી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ Video: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શનમાંઃ ટ્રાફિક નિયમનો ભંગ કારનારાઓના લાયસન્સ રદ થશે

Back to top button