ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી ગ્રુપના વિઝીનજામ બંદર પર પ્રથમ મધરશિપ ‘સાન ફર્નાન્ડો’ પહોંચ્યું, ઇતિહાસ રચ્યો

  • આ મધરશિપ સાન ફર્નાન્ડો’એ 1,000થી વધુ કન્ટેનર સાથે બંદર પર આવ્યું 

તિરુવનંતપુરમ, 11 જુલાઈ: કેરળના કોવલમ બીચ નજીક ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ અદાણી ગ્રૂપના વિઝીનજામ ઇન્ટરનેશનલ બંદરે આજે ગુરુવારે મધરશિપ સાન ફર્નાન્ડો પહોંચ્યું હતું. વિશ્વની બીજી સૌથી મોટી શિપિંગ કંપની મકર્સના જહાજ ‘સાન ફર્નાન્ડો’એ 1,000થી વધુ કન્ટેનર સાથે બંદર પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ વિશાળ જહાજનું પરંપરાગત સલામી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે સફળતાપૂર્વક બર્થ પર પહોંચ્યું હતું. આ પ્રસંગે કેરળના બંદર મંત્રી વી.એન. વસાવા, અદાણી પોર્ટના અધિકારીઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મધરશિપનું સ્વાગત કર્યું હતું. જોકે, સત્તાવાર સમારોહ શુક્રવારે યોજાશે.

 

પ્રથમ મધરશિપના આગમન સાથે ભારત વૈશ્વિક લેવલે પહોંચ્યું 

પ્રથમ મધરશિપના આગમન સાથે, અદાણી ગ્રુપના વિઝીનજામ પોર્ટે ભારતને વૈશ્વિક શિપિંગ વ્યવસાયના લેવલ પર લાવી દીધું છે. આ રીતે આ બંદર વૈશ્વિક સ્તરે છઠ્ઠા કે સાતમા સ્થાને હશે. શુક્રવારે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી હાજર રહેશે. સત્તાવાર ઉદ્ઘાટન બાદ તરત જ મધરશિપ કોલંબો માટે રવાના થશે. આ પછી ઘણા બધા બીજા જહાજો સામાન લઈને અહીં આવવાના છે.

વિઝીનજામ પોર્ટ થોડા સમયમાં શરૂ થશે

આ સાથે પોર્ટના પ્રથમ તબક્કાનું કામ શુક્રવારે જ સત્તાવાર રીતે પૂર્ણ થશે. આ પોર્ટ પર 3,000 મીટર બ્રેકવોટર અને 800 મીટર કન્ટેનર બર્થ હવે સંપૂર્ણપણે તૈયાર છે. કનેક્ટિવિટી માટે 1.7 કિમીનો એપ્રોચ રોડ પણ લગભગ તૈયાર છે. આ ઉપરાંત ઓફિસ અને સિક્યોરિટી એરિયા પણ તૈયાર છે અને વીજલાઈનો પણ પહોંચી ગઈ છે. આ બંદરની વિશેષતા એ છે કે, તે દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત કન્ટેનર ટર્મિનલ છે અને તે હાઇડ્રોજન અને એમોનિયા જેવા સ્વચ્છ અને લીલા ઇંધણની સપ્લાય કરતું વૈશ્વિક બંકરિંગ હબ પણ હશે. બંદર પર સંપૂર્ણ વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડા મહિનામાં શરૂ થવાની છે.

પ્રોજેક્ટનો બીજો અને ત્રીજો તબક્કો 2028માં પૂર્ણ કરવાની યોજના છે અને તે વિશ્વના સૌથી હરિયાળા બંદરોમાંનું એક બનશે. યુરોપ, પર્સિયન ગલ્ફ અને ફાર ઇસ્ટને જોડતા આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોથી આ બંદર વ્યૂહાત્મક રીતે માત્ર 10 નોટિકલ માઇલ દૂર સ્થિત છે.

આ પણ જુઓ: ભારતીય મૂળના બ્રિટિશ સાંસદે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને લીધા શપથ, જૂઓ વીડિયો

Back to top button