અમદાવાદગુજરાત

અમદાવાદમાં AMTSના ટાયર નીચે એક્ટિવા ચાલક કચડાયો, બસ ચાલક ફરાર

Text To Speech

અમદાવાદ, 23 એપ્રિલ 2024, શહેરમાં ભુલાભાઈ ચાર રસ્તે 19 એપ્રિલના સવારે 10.24 વાગ્યે આસપાસ બેફામ AMTS બસના ડ્રાઈવરે ભુલાભાઈ ચાર રસ્તા પાસે એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. બસની ટક્કરે આધેડ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન બસનું પાછળનું ટાયર તેમના માથા પરથી ફરી વળ્યું હતું. જેથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જો કે, અકસ્માત કરી AMTSનો ડ્રાઈવર બસ પૂરપાટ ઝડપે ભગાવી નાસી છૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

AMTS બસના ચાલકે ટુવ્હીલરને ટક્કર મારી હતી
પ્રાપ્ત માહિતી મુજબ વટવામાં આવેલા વ્રજભુમિમાં 52 વર્ષીય નવીનભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ બહેરામપુરા ખાતે શ્રીવિષ્ણુ શો મીલ નામથી લાકડાનો વેપાર કરે છે. 19 એપ્રિલ ગુરુવારે તેઓ મીલ ખાતે ગયા હતા. ચા પીને પોતાના ઘરે સોસાયટીના કાગળોની ફાઈલ લેવા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ટુવ્હીલર લઇને ભુલાભાઇ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા અને તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવતી AMTS બસના ચાલકે નવીનભાઈના ટુવ્હીલરને ટક્કર મારી હતી.

AMTSના બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
જો કે, બસની ટક્કરે એક્ટિવા પર સવાર નવીનભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન નવીનભાઇ AMTS બસ નીચે આવી જતાં તેમના પરથી બસનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું. જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બેફામ બસ ચાલક અકસ્માત કરી પૂરપાટ ઝડપે બસ હંકારીને નાસી છૂટ્યો હતો. અકસ્માત મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે AMTSના બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ : એરપોર્ટ પર પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું, નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

Back to top button