વડોદરાના કોટંબી પાસે અકસ્માત: પીકઅપ વાન કેનાલમાં ખાબકતાં ચારના મોત
વડોદરા, 29 મે 2024, ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર બેફામ પણે દોડતા વાહનો અકસ્માત સર્જી રહ્યાં છે. વડોદરા નજીક કોટંબી પાસે એક પીકઅપ વાન કેનાલમાં ખાબકતાં બે બાળકો અને બે યુવકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં હોવાની વિગતો મળી રહી છે. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
ભાડાની પીકઅપ વાનમાં મુસાફરો દાહોદથી વડોદરા આવતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ પીકઅપમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. 12થી 15 લોકો બોલેરો પીકઅપ વાનમાં હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે બાળકો અને બે યુવકો સહિત ચાર લોકોના મોત થયા છે. ભાડાની પીકઅપ વાનમાં મુસાફરો દાહોદથી વડોદરા આવતા હતા.
4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા
અકસ્માતની આ ઘટનાને લઈને 6થી 7 એમબ્યુલન્સ ઘટના સ્થળે અને 4 જેટલી એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચી ગઇ છે. કોટંબી ખાતે ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે. 5 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃપાલસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમે FSLની પણ મદદ લીધી છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે.બોલેરો પાણીમાં હતી જેથી ફાયર બ્રિગેડે ગાડી બહાર કાઢી હતી અને 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં ટ્રાફિક પોલીસે સર્વે કરી અકસ્માતના 29 હોટ સ્પોટ નક્કી કર્યા