અમદાવાદઃ નારોલમાં દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો


અમદાવાદ, તા. 28 માર્ચ, 2025: અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો એસીબીના છટકામાં સપડાયો હતો. ફરિયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી તેમણે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી વનરાજસિંહ વલકુભાઈ વાળા (હોદ્દો- અનાર્મ હેડ કોન્સ્ટેબલ , નારોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ) ફરીયાદી પાસે રૂ.૨૫૦૦ ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.
જેથી જે તે સમયે આરોપીએ રૂ.૧૦૦૦ ફરીયાદી પાસેથી લઈ લીધા હતા અને બાકી રૂ.૧૫૦૦ આપવાનો વાયદો કર્યો હતો. તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧,૫૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.
એ.સી.બી. ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે નારોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વલકુભાઈ વાળા રૂ।.૧,૫૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption…
— ACB Gujarat (@ACBGujarat) March 28, 2025
ગુરુવારે દહેગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલો નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ સસ્પેન્ડ થયા તો પણ ન સુધર્યા, નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો