ટ્રેન્ડિંગનેશનલ

BJP કે TMC… મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર હુમલો કરનાર કોણ? રાજકારણ ગરમાયું

Abhishek Banerjee: પશ્ચિમ બંગાળના સોનાપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ શાસક પક્ષ TMC આ ઘટનાને ભારતીય જનતા પાર્ટી (BJP) નું પૂર્વયોજિત કાવતરું ગણાવી રહ્યો છે, તો બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કરતા આ હુમલાને TMCની અંદરોઅંદરની ગુટબાજીનું પરિણામ ગણાવ્યું છે. આ ભારે આરોપ-પ્રત્યારોપ વચ્ચે પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને કેટલાય લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ક્રિકેટ હેલ્મેટ પહેરીને બચવો પડ્યો જીવ!

મળતી માહિતી મુજબ, શનિવારે અભિષેક બેનર્જી દક્ષિણ ૨૪ પરગણાના સોનાપુર વિસ્તારમાં ચૂંટણી પછીની હિંસામાં માર્યા ગયેલા એક TMC કાર્યકર્તાના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કેટલાક અસામાજિક તત્વોએ તેમના કાફલાને રોકી લીધો હતો. પ્રદર્શનકારીઓએ કાફલા પર ઈંડા અને પથ્થરમારો કર્યો હતો, એટલું જ નહીં, ત્યાં હાજર ભીડે ‘ચોર-ચોર’ ના નારા પણ લગાવ્યા હતા. પરિસ્થિતિ બગડતી જોઈને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક અભિષેક બેનર્જીને સુરક્ષા ઘેરામાં લીધા હતા. આ હંગામા દરમિયાન અભિષેક બેનર્જી પોતાની સુરક્ષા માટે ક્રિકેટ હેલ્મેટ પહેરેલા પણ જોવા મળ્યા હતા. ઘટના બાદ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ તેમની જાન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જોકે ભાજપે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

TMCનો આરોપ: ‘આ ભાજપનો સુનિયોજિત હુમલો છે’

આ ઘટનાના તુરંત બાદ TMCએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ભાજપને કટઘરામાં ઊભી કરી છે. પાર્ટીનો દાવો છે કે ભાજપના મંડળ અધ્યક્ષ અભિજીત બિસ્વાસ પોતે ઘટનાસ્થળે હાજર રહીને ભીડને ઉશ્કેરી રહ્યા હતા. TMCએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ સામાન્ય જનતાનો સ્વાભાવિક આક્રોશ હતો, તો પછી આટલી મોટી ભીડ કોણે ભેગી કરી? આ હુમલો કોના ઈશારે કરવામાં આવ્યો? ત્યારબાદ પાર્ટીએ આકાશ ગયાણ નામના વ્યક્તિની તસવીર જાહેર કરીને તેને મુખ્ય હુમલાખોર ગણાવ્યો છે અને તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલનો હવાલો આપીને તે ભાજપનો કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે.

BJPનો પલટવાર: ‘આ તો TMCની આંતરિક લડાઈ છે’

બીજી તરફ, ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ TMCના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કેસમાં પોલીસ દ્વારા જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેઓ TMCના પૂર્વ ધારાસભ્ય લવલી મૈત્રાના નજીકના સાથીઓ છે. માલવિયાએ સવાલ કર્યો કે શું આ હુમલો TMCની અંદરોઅંદરની ખેંચતાણ અને સત્તાની લડાઈનું પરિણામ નથી?

તેમ જ બંગાળ ભાજપના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તેમણે ઉમેર્યું કે, “આવી હિંસક ઘટનાઓ સ્વસ્થ સમાજ માટે બિલકુલ યોગ્ય નથી. પરંતુ આ હુમલો છેલ્લા ઘણા વર્ષોથી શાસનથી પરેશાન અને પીડિત સ્થાનિક લોકોના આક્રોશનું પરિણામ હોઈ શકે છે.”

પોલીસની કાર્યવાહી અને તપાસ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન અને દરોડા પાડવામાં આવ્યા હતા. વીડિયો ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરીને કેટલાય શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં હજુ સુધી અભિષેક બેનર્જી કે TMC તરફથી કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સુઓમોટો (પોતાની મેળે) ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Social Media Sensation: 23 વર્ષની કન્ટેન્ટ ક્રિએટર સયોની ચક્રવર્તીનું નિધન, ચાહકોમાં શોકનો માહોલ

આ પણ વાંચોઃ કેદારનાથ માર્ગ પર બ્રેક! વહીવટીતંત્રે યાત્રાળુઓને આગળ ન વધવા કહ્યું

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button