વડોદરામાં જમીન સંપાદનનો વિરોધ કરતાં એક મહિલા કૂવામાં કૂદી, પોલીસકર્મીએ જીવ બચાવ્યો
વડોદરા, 18 માર્ચ 2024,શહેરના કોયલી વિસ્તારમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્થાનિક મહિલાઓ સંપાદનનો વિરોધ કરી રહી હતી. ત્યાં અચાનક એક મહિલાએ પોતાને પોલીસના હાથમાંથી છોડાવીને ઊંડા કૂવામાં ભૂસકો માર્યો હતો. આ દરમિયાન એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ મહિલાને બચાવવા કૂવામાં કૂદ્યો હતો અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
વળતર માટે મહિલાઓ વિરોધ કરતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 14 માર્ચે વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વળતર માટે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેથી ત્યાં ચૂસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયે એક મહિલા ખૂબ રોષે ભરાઈ હતી અને 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં ભૂસકો મારી દીધો હતો. જેથી ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ મહિલાને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યો હતો. ભારે જહેમત બાદ મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી.
પોલીસકર્મીએ હિંમત દાખવી એક બહેનનો જીવ બચાવ્યો
આ અંગે એસીપી આર.ડી. કવાએ જણાવ્યું હતું કે IOCL કંપની દ્વારા જમીન સંપાદન માટે જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ-બંદોબસ્ત માગવામાં આવ્યો હતો, જેને પગલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી એક PSI અને 10 પોલીસકર્મીની ફાળવણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો નારાજ હશે, જેથી વહીવટી તંત્ર સાથે બોલચાલી કરી હતી. એમાં આવેશમાં આવીને દીપિકાબેન 20 ફૂટ ઊંડા કૂવામાં કૂદી ગયાં હતાં.જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે ખૂબ સારી કામગીરી કરી હતી અને પોલીસકર્મીએ હિંમત દાખવી એક બહેનનો જીવ બચાવ્યો હતો. અમે સમગ્ર વડોદરા પોલીસ પરિવાર ગર્વ અનુભવીએ છીએ.
આ પણ વાંચોઃજામનગરના બેડીમાં રજાક સાયચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યુ