કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગરના બેડીમાં રજાક સાયચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યુ

Text To Speech

જામનગર, 18 માર્ચ 2024, શહેરના બેડી વિસ્તારમાં રજાક સાયચા ગેંગ દ્વારા વકીલ હારૂન પાલેજાની હત્યા કરવામાં આવી હતી. આ ગેંગ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા બેડી વિસ્તારમાં સાયચા ગેંગ દ્વારા સરકારી જમીનમાં બાંધવામાં આવેલા બે બેંગ્લા તોડી પાડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ આજે ફરી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.

રજાક સાયચા ગેંગની મિલકતો તોડવાનું અભિયાન શરૂ
જામનગરના વકીલ હારૂન પાલેજાની હત્યાનો સાયચા ગેંગ પર આરોપ છે. આ ગેંગના લોકો હત્યા નીપજાવ્યા બાદ ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદ તેમની મિલકતોને તોડી પાડવા માટે તંત્રએ કમરકસી છે. બેડી અને જોડીયા ભુંગા વિસ્તારમાં સાયચા ગેંગ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે આજે મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીમોલીશન કામગીરી દરમિયાન જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર હાજર રહ્યો હતો. રજાક સાયચા અને તેના સાગરીતોના અલગ અલગ 6 સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર બંગલો, હોટેલ, ઓફિસ, કુલ-16 ઓરડીઓ, વાડોઓ પર બુલ્ડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યાં છે.

રજાક સાયચા ગેંગને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવશે
જામનગરની શિક્ષિકાને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેમજ નગરના એડવોકેટ હારુન પલેજાની સરા જાહેર હત્યા કરનાર ગેંગને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવશે તેવું એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જણાવ્યું હતું.​ એડવોકેટ હારુન પાલેજાની હત્યામાં ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હોવાની વાત એસપીએ કરી હતી.આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુન, ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત 50 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.

આ પણ વાંચોઃમોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા આદેશ

Back to top button