કેદારનાથની આસપાસની આ સુંદર જગ્યાઓ જોયા વગર અધુરી રહેશે ટ્રિપ
- હિમાલયની ઉંચી પહાડીઓમાં વસેલા શિવ શંકરના મંદિરની નજીક ઘણા સ્થળો જોવા લાયક છે. જો તે નહીં જુઓ તો તમારી યાત્રા અધુરી ગણાશે. કેદારનાથની આસપાસમાં અનેક સુંદર જગ્યાઓ છે
કેદારનાથથી લઈને યમુનોત્રી, ગંગોત્રીના કપાટ ખુલી ચૂક્યા છે. લાખો લોકો કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચી ચૂક્યા છે. અહીં કેદારનાથ બાબાના દર્શન કરવા ઉપરાંત બીજી પણ અનેક જગ્યાઓ જોવા લાયક છે. હિમાલયની ઉંચી પહાડીઓમાં વસેલા શિવ શંકરના મંદિરની આસપાસ ઘણા સ્થળો જોવા લાયક છે. જો તે નહીં જુઓ તો તમારી યાત્રા અધુરી ગણાશે. જાણો કેદારનાથની આસપાસમાં કઈ જગ્યાઓ ફરવાલાયક છે.
ગૌરીકુંડ
ગૌરીકુંડ ધામથી જ કેદારનાથ જવા માટેનું ટ્રેકિંગ શરૂ થાય છે, પરંતુ આ જગ્યાને માત્ર સ્ટાર્ટિંગ પોઈન્ટ સમજવાની ભૂલ ન કરતા. ગૌરીકુંડમાં ગરમ પાણીના બે કુંડ હોવાની સાથે માતા પાર્વતીનું મંદિર પણ છે, જે પ્રાચીન સમયથી બનેલું છે. આ મંદિર અંગે એક માન્યતા છે કે અહીંની શિલા પર બેસીને માતા પાર્વતીએ ધ્યાન કર્યું હતું. તો ગૌરીકુંડથી પગપાળા ટ્રેકની શરૂઆત કરતા પહેલા આ મંદિર અને આસપાસના ગરમ કુંડને જરૂર જોજો.
ભૈરવનાથ મંદિર
કેદારનાથ મંદિરથી માત્ર 1 કિલોમીટર દૂર ભૈરવનાથનું મંદિર છે. અહીં જવા માટે ગૌરીકુંડ થઈને જ જવું પડે છે. કેદારનાથ મંદિરના દર્શન બાદ લોકો આ મંદિરના દર્શન જરૂર કરે છે. ભૈરવનાથ મંદિરની આસપાસનો નજારો જોયા વગર તો આ ટ્રિપ અધુરી જ ગણાશે.
તુંગનાથ મંદિર
તુંગનાથ મંદિર દુનિયાનું સૌથી ઊંચુ શિવમંદિર ગણાય છે. કેદારનાથની યાત્રા માટે નીકળી રહ્યા હો તો આ મંદિરના દર્શન જરૂર કરો. અહીં પહોંચવા માટે તમને સરળતાથી ટેક્સી કે કેબ મળી જશે. 3 કિમીના ટ્રેક બાદ મંદિર પહોંચી શકાશે. તુંગનાથ મંદિરને તૃતીય કેદારનાથ પણ કહેવાય છે. આટલે દૂર આવ્યા બાદ આ મંદિરના દર્શન અચૂક કરવા જોઈએ.
ચંદ્રશિલા ટ્રેક
ગૌરીકુંડથી લઈને તુંગનાથ મંદિરના ટ્રેકને ચંદ્રશિલા ટ્રેક કહેવાય છે, તેની પર ચાલો ત્યારે અત્યંત સુંદર નજારા જોવા મળે છે. તમે પણ આ લાભ લઈ શકો છો.
વાસુકી તાલ
કેદારનાથના દર્શન બાદ લોકો અહીં પગપાળા જ આ તાલને જોવા માટે આવે છે. આ આઠ કિલોમીટરનો ટ્રેક ખૂબ કઠિન હોય છે, કેમકે રાતે અહીં રોકાવાતું નથી અને પરત કેદારનાથ મંદિર આવવું પડે છે, પરંતુ સવારે ટ્રેકિંગ શરૂ કરીને વાસુકી તાલ પહોંચી શકાય છે. અહીંથી બરફીલા વાસુકી તાલનો નજારો જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ થાઈલેન્ડે ભારતીયો માટે વીઝા-વિના મુલાકાતની મુદત લંબાવી, જાણો વિગતો