મોરબી SOGની ટીમનું સફળ ઓપરેશન, રૂ.10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો
મોરબી SOGની ટીમે ફરી મેફેડ્રોન ડ્રગ્સના રવાડે ચડતા યુવાધનને બચાવી લીધું છે અને માળીયામાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી SOGની ટીમે માળિયા નજીકથી રૂ. 10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? અને કોને-કોને વેચ્યો? તે અંગે કડક પૂછપરછ હાથ ધરી છે.
ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચેથી આરોપી ઝડપાયો
મોરબી SOG સ્ટાફ એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે પ્રયત્નશીલ હોય જે દરમ્યાન પોલીસ કોન્સટેબલ ભાવેશભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે અને તેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે જેથી એસ.ઓ.જી. સ્ટાફ સાથે મોરબી-માળીયા ને.હા.રોડ ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો.
કુલ મુદામાલ રૂ. 10,09,580 સાથે પકડી પાડ્યો
પોલીસે દેવીલાલ મગારામ સેવર (ઉ.વ.24 ધંધો-મજુરી રહે.ખારા મહેચાન તા.સેણદ્રી જી.બાડમેર રાજ્ય રાજસ્થાન)ને માદક પદાર્થ મેફેડ્રોન વજન 100 ગ્રામ કિ.રૂ.10,00,000ના જથ્થા સાથે પકડી પાડી ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-1 કિ.રૂ.5000 તથા રોકડા રુપિયા 4580 મળી કુલ મુદામાલ રૂ. 10,09,580 સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.