મહેન્દ્ર સિંહ ધોનીનો એક એવો વર્લ્ડ રેકોર્ડ જેને તોડવામાં વર્ષો લાગી જશે
8 મે, અમદાવાદ: T20 વર્લ્ડ કપ હવે નજીક આવી રહ્યો છે અને તેના વિશે ઇન્તેજારી પણ ધીમે ધીમે વધી રહી છે. આવામાં T20 વર્લ્ડ કપનો એક એવો રેકોર્ડ સામે આવ્યો છે જેને તોડવો આવનારા અમુક વર્ષોમાં તો અશક્ય લાગી રહ્યો છે. આ રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીનો છે.
2007માં જ્યારે આ ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં શરુ થઇ હતી છેક ત્યારે ભારત આ ટુર્નામેન્ટ જીત્યું હતું. આમ 17 વર્ષથી આ ટ્રોફી માટે ભારતીય ટીમ અને તેના ચાહકો તરસી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી. આ ટ્રોફી આ વખતે ઘરે આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ આપણે વાત કરવાની છે એક અદ્ભુત રેકોર્ડની.
તો, જેમ આગળ વાત કરી તેમ આ રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીનો છે અને તે એવો છે કે T20 વર્લ્ડ કપમાં વિકેટ કીપર તરીકે સહુથી વધુ શિકાર કરવાનો. ધોની 2007 થી 2016 દરમ્યાન રમાયેલી તમામ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રમ્યો છે. આ દરમ્યાન વિકેટ કીપિંગ કરતી વખતે ધોનીએ કુલ 32 શિકાર ઝડપ્યા હતા.
આ 32 શિકારમાં 21 કેચ અને 11 સ્ટમ્પીંગ સામેલ છે. ધોનીએ ઉપરોક્ત સમય દરમ્યાન 33 મેચો રમી હતી. ધોનીનો આ રેકોર્ડ અજેય કેમ છે અને આવનારા વર્ષોમાં એ કેમ અજેય રહેશે તેની પાછળનું કારણ એ છે કે અત્યારે ટોપ 10 લિસ્ટમાં એક પણ કરંટ વિકેટ કીપર નથી જે ધોનીની નજીક પણ હોય.
બીજું, ધોની ટોચના વિકેટ કીપરોમાં એક માત્ર ભારતીય હોવાનું ગૌરવ પણ ધરાવે છે.
T20 World Cupમાં સહુથી વધુ શિકાર ઝડપનાર વિકેટ કીપરો
મહેન્દ્ર સિંહ ધોની (ભારત) – 32
કામરાન અકમલ (પાકિસ્તાન) – 30
દિનેશ રામદીન (વેસ્ટ ઇન્ડિઝ) – 27
કુમાર સંગક્કારા (શ્રીલંકા) – 26
ક્વિન્ટન ડી’ કોક (સાઉથ આફ્રિકા) – 22
મુસ્ત્ફીઝુર રહીમ (બાંગ્લાદેશ) – 19
જોસ બટલર (ઇંગ્લેન્ડ) – 18
મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા) – 17
માર્ક બાઉચર (સાઉથ આફ્રિકા) – 16
મોહમ્મદ શેહઝાદ (અફઘાનિસ્તાન) – 13
ઉપરોક્ત લિસ્ટમાં જોઈએ તો મુસ્ત્ફીઝુર રહીમ હજી પણ રમે છે પરંતુ વિકેટ કીપિંગ નથી કરતો અને તે પોતાની કારકિર્દીના છેલ્લા તબક્કામાં રમી રહ્યો છે. જોસ બટલરનું પણ લગભગ એવું જ છે. જ્યારે મેથ્યુ વેડ આ વર્લ્ડ કપમાં રમવાનો નથી.
આમ આ રીતે જોવા જઈએ તો ધોનીની નજીક કોઇપણ એવો વિકેટ કીપર નથી જે અત્યારે પણ વિકેટ કીપિંગ કરતો હોય.