ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આ તે કેવું! એસ.ટી બસમાં મુસાફરી કરતા મુસાફરે લેપટોપનો ઉપયોગ કર્યો તો લેવી પડી લેપટોપની ટિકિટ

  • એસ.ટી બસમાં મુસાફરી કરતા પેસેન્જર પાસે લેપટોપની ટિકિટ લેવડાવી
  • મહિલા કંડક્ટરે પરાણે લેપટોપની ટિકિટ લેવડાવી

સામાન્ય રીતે આપણે એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા હોય તો આપણે આપણી મુસાફરીની ટિકિટ લેવાની હોય છે. પણ કંડકટર તમને તમારા સામાનની પણ ટિકિટ લેવાનું કહે તો. લાગી ને નવાઈ? આવો જ નવાઈ લાગે તેવો કિસ્સો અરવલ્લીના મોડાસામાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા કંડકટરે એસ.ટી બસમાં મુસાફરી કરતા પેસેન્જર પાસે લેપટોપની ટિકિટ લેવડાવી…

લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમાર મોડાસામાં બેંકમાં નોકરી કરે છે. બેંકની પરીક્ષા આપવા માટે શનિવારે સવારે મોડાસાથી એસ.ટી બસમાં અમદાવાદ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યા હતા. જેને જોતા મહિલા કંડકટર આવ્યા અને લેપટોપ બંધ કરવાનું કહ્યું,પરંતુ કામ ચાલતું હોવાથી ભાવિને લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું હતું.

બે લેપટોપની 88 રૂપિયાની ટિકિટ લીધી
આ અંગે અહેવાલ થકી માહિતી અનુસાર, ભાવિન પરમારે જણાવ્યું હતું કે,હું મોડાસામાં બેંકમાં નોકરી કરું છું. બેંકની પરીક્ષા આપવા માટે શનિવારે સવારે મોડાસાથી એસટી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં લેપટોપ કાઢીને હું જરૂરી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન મહિલા કંડક્ટરે મને કહ્યું કે તમારે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો લેપટોપની ટિકિટ લેવી પડશે. જેથી મેં તેમને કહ્યું કે આવો કોઈ નિયમ હોતો નથી અને જો હોય તો તે અંગેનો પરિપત્ર જણાવો. તે પછી તેમણે મને કોઈ પરિપત્ર દેખાડ્યો નહીં અને મુસાફરોની વચ્ચે બોલવા લાગ્યાં હતાં. મહિલા કંડક્ટર હોવાથી મેં પણ કોઈ માથાકૂટ ના કરી અને અંતે બે લેપટોપની 88 રૂપિયાની ટિકિટ લીધી હતી. બીજી મહત્ત્વની વાત કે તેમણે જે ટિકિટ આપી તેમાં કોઈ જગ્યાએ લગેજ કે લેપટોપ તેવો ઉલ્લેખ પણ ન હતો. આ મામલે હું મોડાસા ડેપોમાં પણ ફરિયાદ નોંધાવીશ.

ટિકિટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે
મહત્વનું છે કે, ભાવિન પરમારે આ બાબતે સોશિયલ મીડિયાના ફેસબુકમાં ટિકિટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજર એચ.આર પટેલે શરત ચૂકથી ટીકીટ અપાઈ ગઈ હોવાનું માલુમ પડતા ટિકિટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : બસ મુસાફરોએ ચુકવવું પડશે વધું ભાડુ, એસ.ટી નિગમ દ્વારા ભાડામાં કરાયો વધારો

Back to top button