

પુંછ, 23 જુલાઈ : જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક સેનાએ મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ દરમિયાન એક જવાન શહીદ થયો હતો. તેમણે ભારત માતાની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. સેનાના એક અધિકારીએ આ માહિતી આપી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કોર્પ્સે કહ્યું, ભારે ગોળીબાર દરમિયાન એક બહાદુર સૈનિક ઘાયલ થયો હતો. હાલ ઓપરેશન ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોએ કૃષ્ણ ઘાટીના બટ્ટલ ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓના જૂથની ગતિવિધિઓ શોધી કાઢી હતી અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે ભીષણ અથડામણમાં લાન્સ નાઈક સુભાષ કુમાર ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓને પણ નુકસાન થયું છે.
વધુમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સૈનિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સેનાને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરના મહિનાઓમાં જમ્મુમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે, જેના કારણે આ ક્ષેત્રમાં આતંકવાદ ફરી ઉભો થવાની સંભાવના વધી ગઈ છે.