શાળાની છત પરથી મળી આવી લોહીલુહાણ બેગ, છોકરાઓએ ખોલીને જોયું તો ચોંકી ઉઠ્યા
મહારાષ્ટ્ર, 11 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના અકોલામાં એક શાળાની છત પરથી ચાર નવજાત બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના પાછળનું કારણ જાણવાનો પુરો પ્રયાસ કરી રહ્યા છીએ.
જિલ્લા પરિષદની ઉર્દૂ શાળાની છત પરથી મળ્યા નવજાત બાળકોના મૃતદેહ
મળતી માહિતી મુજબ, આ ઘટના જિલ્લા પરિષદની ઉર્દૂ શાળામાં બની હતી. અહીં શાળાની છત પર 4 નવજાત બાળકોના મૃતદેહ મળી આવ્યો છે. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે હાલમાં ફક્ત એક જ નવજાત બાળકનો મૃતદેહ જોવા મળ્યો છે, બાકીના અવશેષો હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી મેડિકલ ઓફિસર તેની પુષ્ટિ ન કરે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.
આ બનાવથી સમગ્ર શહેર અને જિલ્લામાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જે શાળાની છત પરથી મૃતદેહ મળી આવ્યા તે શાળાની નજીકમાં જ એક મહિલા જિલ્લા હોસ્પિટલ છે. પોલીસે આ કેસમાં પંચનામા કરી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલી આપ્યો છે. પીઆઈ અજીત જાધવે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ બનાવને કોણે અંજામ આપ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
શાળામાં ક્રિકેટ રમી રહેલા છોકરાઓને ધ્યાને પડી બેગ
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આ ઘટના જિલ્લા પરિષદ ઉર્દૂ હાઈસ્કૂલમાં બની હતી. કેટલાક છોકરાઓ શાળાના મેદાનમાં ક્રિકેટ રમતા હતા, તેમનો બોલ છત પર ગયો. જ્યારે છોકરાઓ બોલ લેવા માટે શાળાની છત પર પહોંચ્યા, ત્યારે તેઓએ એક લોહીલુહાણ બેગ જોઈ. બેગ ખોલતાં જ શાળાના છોકરાઓ ચોંકી ઉઠ્યા, બેગમાં નવજાત બાળકોના મૃતદેહો હતા. આ પછી છોકરાઓએ 112 નંબર પર ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, ત્યાર બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી માહિતી મેળવી હતી.
આ પણ વાંચો: VIDEO: સરકારી હોસ્પિટલમાં Reels બનાવવી મોંઘી પડી, 38 મેડિકલ સ્ટૂડન્ટ સામે કાર્યવાહી