ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

હિમાચલમાં બે ટ્રેકરનાં મૃત્યુ, પાલતુ શ્વાન 48 કલાક સુધી મૃતદેહની રક્ષા કરતો રહ્યો

શિમલા (હિમાચલ પ્રદેશ), 08 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશના બીર બિલિંગમાં ટ્રેકિંગ દરમિયાન એક યુવક અને યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. બે દિવસ બાદ મંગળવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ સમય દરમિયાન ટ્રેકર્સ સાથે આવેલો એક પાલતુ જર્મન શેફર્ડ ડૉગી મૃતદેહો પાસે ઊભો રહીને 48 કલાક સુધી ભસતો રહ્યો. મૃતક ટ્રેકર્સની ઓળખ પંજાબના પઠાણકોટના 30 વર્ષીય અભિનંદન ગુપ્તા અને પુણેની 26 વર્ષીય પ્રણિતા વાલા તરીકે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહાડ પરથી પડીને બંને મૃત્યુ પામ્યાં હતાં. જો કે, અધિકારીઓએ કહ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ પાછળનું કારણ જાણી શકાશે.

ચાર લોકો ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા

હિમાચલ પ્રદેશમાં 5,000 ફૂટની ઊંચાઈએ આવેલું બીર બિલિંગ ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. આ જગ્યાએ પેરાગ્લાઈડિંગ પણ કરવામાં આવે છે. કાંગડા જિલ્લાના પોલીસ અધિક્ષક વીર બહાદુરે જણાવ્યું કે અભિનંદન ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ પ્રવૃત્તિઓ માટે આ વિસ્તારમાં રહેતો હતો. તેમણે કહ્યું કે મહિલા પ્રણિતા થોડા દિવસ પહેલા પુણેથી આવી હતી. હિમવર્ષા બાદ ચાર લોકોનું ગ્રુપ કારમાં ફરવા નીકળ્યા હતા. ખૂબ જ ખરાબ હવામાનને કારણે કાર આગળ વધી શકી નહીં અને ચારેય હિમવર્ષામાં ચાલવા લાગ્યા હતા. થોડા સમય પછી ગ્રુપના બે લોકોએ પાછા ફરવાનું નક્કી કર્યું. જ્યારે અભિનંદન અને પ્રણિતાએ આગળ વધવાનું મન બનાવી લીધું. તેમજ તેમની સાથે પાલતુ શ્વાન પણ ચાલવા લાગ્યો.

બંનેનો પત્તો ન લાગતા મિત્રએ ફરિયાદ નોંધાવી

એક રિપોર્ટ મુજબ જ્યારે અભિનંદન અને પ્રણિતાનો લાંબા સમય સુધી કોઈ અતોપતો ન લાગ્યો ત્યારે તેમના મિત્રએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને શોધવા માટે રેસ્ક્યૂ ટીમ મોકલી હતી. તેમના ગુમ થયાના લગભગ 48 કલાક પછી, તેમના મૃતદેહ ઢાળવાળા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે બરફવર્ષાને કારણે ત્યાં ઢોળાવ વિસ્તાર પર લપસી જવાથી આ દુર્ઘટના બની હશે.

મૃતદેહ પાસે સતત કૂતરો ભસતો હતો

જ્યારે રેસ્ક્યૂ ટીમ મૃતદેહની નજીક પહોંચી તો તેઓએ ત્યાં જોયું કે, એક પાલતુ શ્વાન ઊભો-ઊભો સતત ભસતો હતો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ અકસ્માતના સમાચાર અને કૂતરાની વફાદારી સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ છે.

આ વાંચો: જંબુસરમાં માછીમારોની જાળમાં ફસાયું સ્ફટિકનું શિવલિંગ, દર્શન કરવા લોકોની ભીડ ઊમટી

Back to top button