ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નના દિવસે જ મોટી ઘટના: પિતાની તબિયત લથડતાં સમારોહ મોકૂફ, હોસ્પિટલમાં દાખલ

સાંગલી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના આજે (૨૩ નવેમ્બર, રવિવાર) મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્નગ્રંથિથી જોડાવાની હતી. જોકે, લગ્નના જ દિવસે મંધાના પરિવાર પર અણધારી આફત આવી પડતાં લગ્ન સમારોહ મોકૂફ રાખવાની ફરજ પડી છે.
લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને પરિવારજનો તથા મહેમાનોમાં ઉત્સાહનો માહોલ હતો, ત્યારે જ સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત અચાનક લથડી હતી. કૌટુંબિક ઈમરજન્સીને પગલે તેમને તાત્કાલિક સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને હાર્ટ ઍટેક આવ્યો હોવાની સંભાવના છે અને હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ, મેનેજરે આપી માહિતી
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની પુષ્ટિ સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ પણ કરી છે. તેમણે જણાવ્યું કે પિતાની ખરાબ તબિયતના કારણે હાલ પૂરતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. ક્રિકેટ અને મનોરંજન જગતની અનેક હસ્તીઓ આ શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે સાંગલી પહોંચી હતી, પરંતુ હવે તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે.
VIDEO | Tuhin Mishra, manager of Indian cricketer Smriti Mandhana, confirms that her father is not well and the wedding has been indefinitely postponed.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/K5EVJwyR4h
— Press Trust of India (@PTI_News) November 23, 2025
સ્મૃતિ અને પલાશના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતા. બંનેના લગ્ન પહેલાના સમારોહ, જેમ કે હલ્દી સેરેમની અને સંગીત સંધ્યાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. સંગીત સંધ્યામાં સ્મૃતિ અને પલાશે ડાન્સ પણ કર્યો હતો, જેમાં મહેમાનોએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, પલાશ મુચ્છલે સ્મૃતિને ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું, જેની તસવીરો પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દંપતીના લગ્ન માટે ચાહકો ખૂબ જ આતુર હતા, પરંતુ અંતિમ ક્ષણે પિતાની તબિયત બગડતાં પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે.
હાલ સમગ્ર ક્રિકેટ જગત અને ચાહકો સ્મૃતિ મંધાનાના પિતાના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈને પોતાના દીકરીના લગ્નની ખુશીઓ માણી શકે. આગામી લગ્નની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરિવારની પ્રાથમિકતા હાલ સ્મૃતિના પિતાનું સ્વાસ્થ્ય છે.
View this post on Instagram












