ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આ વ્યક્તિએ અપનાવી અનોખી રીત !
કહેવાય છે કે દુનિયામાં પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતા 20 થી 500 વર્ષો જેટલો સમય લાગે છે. ત્યારે આપણે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ તે જરુરી બને છે. તે માટે આપણા દેશમાં ખૂબ ઓછા લોકો એવા છે કે આ સમસ્યાને ગંભીર ગણીને તે દિશામાં પગલા લે છે. આજે વાત કરીએ આવા જ એક વ્યક્તિની કે જેઓ પોતાના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માંગે છે.
આ પણ વાંચો : વારંવાર થતી શરદીથી પરેશાન છો, તો શિયાળામાં આ વસ્તુઓ તમારા શરીરને રાખશે ગરમ
ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અપનાવ્યો અનોખો રસ્તો
આપણે જે વ્યક્તિ વિશે વાત કરવાના છીએ, તેમનું નામ કાના રામ મેવાડા છે, જે રાજસ્થાનના પાલી જિલ્લાના બીસલપુર નામના ગામના રહેવાસી છે. તેઓ પોતાના ગામમાં એક નાની ચાની કીટલી ચલાવે છે, પરંતુ તેઓ પર્યાવરણનાં રક્ષક તરીકે પણ ઓળખાય છે. કારણ કે રામ મેવાડાએ એક ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે કે તેઓ પોતાના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવશે અને આ માટે તેમણે અનોખો રસ્તો અપનાવ્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક આપો અને એક છોડ ફ્રી લઈ જાવ
રામ મેવાડ પોતાની દુકાન પર આવતા લોકોને એક સ્કીમ ઓફર કરે છે. તેઓ પોતાના ગ્રાહકોને ઓફર કરે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપો અને એક છોડ ફ્રી લઈ જાવ. આ ઓફરથી ગ્રામજનો પ્લાસ્ટિકની વસ્તુઓ આમ-તેમ ફેંકવાને બદલે, રામ મેવાડાને આપી જાય છે અને છોડ લઈ જાય છે, આ ઉપરાંત ન માત્ર ગ્રામજનો પરંતુ ગામની પાસે જવઈ નામનો ડેમ આવેલો છે, તો ત્યાં ફરવા આવતા પર્યટકો પણ આ કામ કરે છે. પરિણામે ગામ પ્લાસ્ટિક ફ્રી થઈ જાય છે અને છોડવા રોપવાથી હરિયાળી વધે છે.
રામ મેવાડા પ્લાસ્ટિકના બદલે ન ફક્ત છોડવા, પરંતુ અમુક જરુરિયાતનો સામાન પણ લોકોને આપે છે. જેમ કે ગૃહણીને ખાંડ જેવી વસ્તુઓ અને બાળકોને પેન્સિલ અને રબર જેવી વસ્તુઓ. તેથી પર્યાવરણની સેવા સાથે તેઓ સમાજસેવા પણ કરે છે.
કેવી રીતે થઈ શરુઆત ?
રામ મેવાડા કહે છે કે,’ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રેરણા તેમના જ ગામના સભ્ય દિલીપ કુમાર જૈન પાસેથી મળી હતી, જેઓ મુંબઈમાં એક NGO સાથે સંકળાયેલા છે.’ દિલીપ જૈન સાથે મળીને રામ મેવાડાએ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લીધો હતો.
એવું કહેવાય છે કે તેમણે લોકોને આ અભિયાન સાથે જોડવા માટે ઘરે-ઘરે જઈને લોકોને પ્લાસ્ટિક ગમે ત્યાં ન ફેંકવા માટે સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લોકોને જણાવ્યું હતું કે, આપણે ફેંકેલુ પ્લાસ્ટિક ખાવથી ગાયો મરી જાય છે અને લોકો ધીમે ધીમે તેમની વાત સમજવા લાગ્યા અને ગામના લોકો અહીં-ત્યાં પ્લાસ્ટિક ફેંકતા નથી અને પ્લાસ્ટિકને રામ મેવાડા પાસે લઈ આવે છે. જેથી ગામમાં ધીમે ધીમે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થઈ રહ્યો છે.