ભારતની ‘ચા’ ઘણા દેશોએ પાછી મોકલાવી, કહ્યુ – બહુ જંતુનાશકો છે!


નેશનલ ડેસ્કઃ ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમન કનોરિયાએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદારોએ જંતુનાશકો અને રસાયણોની વધુ પડતા હોવાથી ચાનો માલ પરત મોકલાવ્યો છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયા નિકાસને વેગ આપવાનું વિચારી રહ્યું છે. કારણ કે વૈશ્વિક ચા માર્કેટમાં શ્રીલંકાની સ્થિતિ નબળી પડી છે. જો કે, માલના અસ્વીકારને કારણે આઉટબાઉન્ડ શિપમેન્ટમાં ઘટાડો થઈ રહ્યો છે.
ઘણાને FSSAI ધોરણોમાં છૂટછાટ જોઈએ છે
કનેરિયાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દેશમાં વેચાતી તમામ ચા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના ધોરણોને અનુરૂપ હોવી જોઈએ. જો કે, મોટાભાગના ખરીદદારો એવી ચા ખરીદે છે, જેમાં અસામાન્ય રીતે ઉચ્ચ કેમિકલ સામગ્રી હોય છે.
કનેરિયાએ આગળ ધ્યાન દોર્યું કે, કાયદાનું પાલન કરવાને બદલે ઘણા લોકો સરકારને FSSAI ધોરણોને વધુ ઉદાર બનાવવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ તે ખોટો સંકેત આપશે કારણ કે ચાને સ્વસ્થ પીણું માનવામાં આવે છે.
બોર્ડે 30 કરોડ કિલો ચાની નિકાસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
કનોરિયાએ કહ્યું કે, ઘણાં દેશો ચા માટે કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. મોટાભાગના દેશો EU ધોરણોને અનુસરે છે, જે FSSAI નિયમો કરતાં વધુ કડક છે. ઉલ્લેખનીય છે કે, 2021માં ભારતે 195.90 મિલિયન કિલો ચાની નિકાસ કરી હતી. મુખ્ય ખરીદદારો કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) દેશો અને ઈરાન હતા. બોર્ડે આ વર્ષે 300 મિલિયન કિલોગ્રામ ચાની નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતે 2021માં 5,246.89 કરોડ રૂપિયાની ચાની નિકાસ કરી છે.