પધારો મ્હારે દેશ : G20 શેરપા સમિટના સભ્યોએ લીધી કુંભલગઢની મુલાકાત
ભારતે હાલમાં જ G20 સમિટનું પ્રમુખ પદ સંભાળ્યું છે. આ પ્રમુખ પદ મળ્યા બાદ આજે G20 શેરપા સમિટના સભ્યો આજે રાજસ્થાનના પ્રખ્યાત કિલ્લા એવા કુંભલગઢ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓનું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજસ્થાની પરંપરામાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ભારતને G20નું પ્રમુખપદ મળતા વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રીએ આપી પ્રતિક્રિયા
દેશને G-20નું પ્રમુખપદ મળ્યા બાદ આજે ઉદયપુરમાં આયોજિત શેરપા સંમેલનના પ્રતિનિધિઓ વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ રાજસમંદ જિલ્લાના કુંભલગઢ કિલ્લા પર પહોંચ્યા હતા. જ્યાં વિદેશી શેરપાઓનું અહીં રાજસ્થાની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. 54 વિદેશી પ્રતિનિધિઓની કુંભલગઢ કિલ્લાની મુલાકાત માટે કડક સુરક્ષા પણ ગોઠવવામાં આવી હતી.
તિલક અને નૃત્ય દ્વારા કરાયું સ્વાગત
કિલ્લામાં પ્રવેશતા જ તમામ વિદેશી પ્રતિનિધિઓનું ફૂલોની વર્ષા કરીને અને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શેરપા સભ્યોનું સહરિયા નૃત્ય અને બાડમેરના નૃત્ય સાથે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા સભ્યો દેશી ધૂન પર નાચતા પણ જોવા મળ્યા હતા. ત્યારપછી, હોટેલ મહુઆ બાગ રિસોર્ટમાં નાસ્તો કર્યા બાદ સભ્યો કુંભલગઢ કિલ્લા પહોંચ્યા હતા અને અહીં પહોંચતા જ તે પછી તમામ શેરપા સભ્યો યજ્ઞવેદી સંકુલની પાછળ આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
શિવ મંદિરની મુલાકાત લીધી
મુખ્ય દ્વાર પર સ્વાગત કર્યા બાદ તમામ શેરપાઓ યજ્ઞવેદી પાસે આવેલા શિવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઐતિહાસિક શિવ મંદિરની મુલાકાત લીધી હતી અને ઈતિહાસ વિશે પણ માહિતી મેળવી હતી. અહીં વિદેશી શેરપાઓએ ઐતિહાસિક કુંભલગઢ કિલ્લા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું.
આ પછી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી અધિકારીઓ સાથે શેરપાઓની એક ટીમ કુંભલગઢ કિલ્લાના મુખ્ય સ્થળ હવા મહેલ પહોંચી હતી, જ્યાં તઓએ વિવિધ સ્થળોએ ઐતિહાસિક વારસા સાથે ફોટોશૂટ કરી માર્ગદર્શિકા દ્વારા સ્થળના ઇતિહાસની માહિતી મેળવી હતી.
મહારાણા પ્રતાપના જન્મ ખંડની પણ મુલાકાત લીધી
આ ઉપરાંત શેરપાઓએ ચીન પછીની, વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ કુંભલગઢના કિલ્લાની પણ મુલાકાત લીધી હતી અને ભારતની સંસ્કૃતિને ઐતિહાસિક ગણાવી હતી. આ ઉપરાંત દેશી અને વિદેશી શેરપાઓએ કુંભલગઢ કિલ્લામાં સ્થિત મહારાણા પ્રતાપના જન્મ ખંડની પણ મુલાકાત લીધી હતી અને તેના ઇતિહાસ વિશે પણ જાણકારી મેળવી હતી.
G20 શેરપા સમિટના સભ્યો માટે કરવામાં આવ્યો હતો ખાસ બંદોબસ્ત
G20 શેરપા સમિટના સભ્યોની કુંભલગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન, કેલવાડાથી કુંભલગઢ કિલ્લા અને સાયરા સુધીના તમામ માર્ગોથી સામાન્ય લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહી હતી અને વિવિધ સ્થળોએ ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રાજસમંદ જિલ્લા કલેક્ટર નીલાભ સક્સેના, SDM જયપાલ સિંહ, ઉદયપુર જિલ્લા કલેક્ટર તારાચંદ, ઉદયપુરના આઈજી પ્રફુલ્લ કુમાર, રાજસમંદના એસપી સુધીર ચૌધરી, મામલતદાર રણજીતસિંહ દ્વારા કડક સુરક્ષા પણ ગોઠવવામાં આવી હતી અને ઉદયપુર, અજમેર, ભીલવાડા, ચિત્તોડગઢમાં પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.