ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની હોડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ હોય કે કૉંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પક્ષ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થશે. તેને લઈ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની હોડ લાગી છે.
15 નવેમ્બરે ચકાસણી
આજે ફોર્મ ભરવાનો ઉમેદવારોનો છેલ્લો દિવસ છે. ત્યારે, આવતીકાલે એટલે કે 15 નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્ર પરત લઈ શકાશે, મહત્વનું છે કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દરેક પક્ષના ઉમેદવારો જરૂરી દસ્તાવેજો તૈયારી કરી આજ સાંજ સુધીમાં ફોર્મ ભરાઈ જાય તેવા પ્રયાસમાં લાગેલા છે.
કોણે કેટલાં ઉમેદવાર જાહેર કર્યા?
ભાજપે અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અગાઉ 160 અને પછી વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તદુપરાંત કોંગ્રેસે અત્યાર સુધીમાં 142 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કુલ 16 યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 184 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્ચ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.