વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણીના પ્રચાર માટે 10 થી વધુ વાહનોનો નહિ રાખી શકાય


- જીલ્લા ચૂંટણી અધિકારીએ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
- ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનની નોંધણી ફરજીયાત
- વાહન પર વઘુ એસેસરીઝ લાગવા માટે RTOની મંજૂરી જરૂરી
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને વડોદરા જીલ્લાની 10 બેઠકોનું મતદાન આગામી તા. 5 ડીસેમ્બર યોજવાનું છે. ત્યારે રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારના કાફલા માટે નિયમ જારી કરવામાં આવ્યા છે. જેમાં પ્રચારના કાફલામાં સિક્યુરિટીના વાહનો સિવાય 10થી વધુ વાહનો રાખી શકાશે નહિ. કારણ કે, ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લઈને જીલ્લા ચૂંટણી અધિકાર એવા કલેક્ટર અતુલ ગોરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો ભંગએ સજાને પાત્ર ગુનો બને છે. આવી ચેતવણી તંત્રએ આપી છે.
આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તેની સાથે જ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સર્જાય તે આવશ્યક છે. ત્યારે જીલ્લા ચૂંટણી અધિકારીએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાં મુજબ, ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોનો ઉમેદવારે સંબંધીત ચૂંટણી અધિકારી પાસે નોંધ કરવાની રહેશે અને અસલ પરમીટ વાહન પર સહેલાઈ થી દેખાય તે રીતે વિન્ડસ્ક્રીન પર લાગવાની રહેશે. પરમીટની ફોટો કોપી ચાલશે નહિ. તેમજ પરમીટ કે રજીસ્ટ્રેશન વગરના વાહનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. ચૂંટણી પ્રચારમાં ઉપયોગી વાહન પર વધુ એસેસરીઝ ફીટ કરેલી હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી લેવી પડશે.
આ પણ વાંચો : દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં 6 ના મોત
કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ જો ચૂંટણીના પ્રચાર માટે કે તે સંબંધીત કાર્ય માટે આવશે તો સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે નહિ. આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફટ, કર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષ , ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ ચૂંટણીના પ્રચાર કાફલામાં સિક્યુરીટી વાહનો સિવાયના 10 થી વધુ વાહનો એકી સાથે ઉપયોગમાં લઈ શકશે નહિ. આમ ચૂંટણી આયોગના આદેશનો અમલ કરવા વડોદરા જીલ્લામાં આવેલા તમામ રાજકીય પક્ષો , ઉમેદવાર તેમજ તેમના ચૂંટણી એજન્ટોને આ નિયમો લાગુ પડશે. જાહેરનામું બહાર પડતા જ તંત્રએ તેના અમલીકરણ માટેની રણનીતિ ઘડી નાખી છે.