EDએ ઝારખંડના ખૂંટી જિલ્લામાં દરોડા પાડ્યા હતા. મનરેગા કોષમાં કરોડોના કથિત કૌભાંડ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસનો રેલો ઝારખંડનના માઈનિંગ સચિવ અને IAS અધિકીર પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝા સહિત અનેક લોકોના 20થી વધુ ઠેકાણાં પર દરોડા પડ્યા છે. શુક્રવારે સવારે EDની અલગ અલગ ટીમમાં રાંચીમાં લગભગ અડધો ડઝન જગ્યાએ દરોડા પડ્યા. આ ઉપરાંત NCR, જયપુર, ફરીદાબાદ, બેંગલુરુ, બિહારના મુઝફ્ફરપુર, ઝારખંડના ખૂંટી અને કોલકાતામાં પણ દરોડા પડ્યા.
IAS પૂજા સિંઘલના CA સુમનકુમાર સિંહને ત્યાંથી 18 કરોડ કેશ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ ઠેકાણેથી મકાન, જમીન, વેપારમાં રોકાણ કરેલા 100થી વધુ દસ્તાવેજ મળી આવ્યા છે.
કોણ છે પૂજા સિંઘલ?
વર્ષ 2000ની બેંચની IAS પૂજા સિંઘલ ઘણી જ ચર્ચિત અધિકારી છે. ભ્રષ્ટાચારના આરોપ સાથે તેમનો ગાઢ સંબંધ છે. અડધા ડઝનથી વધુ કેસમાં તેમના પર તપાસ ચાલી રહી છે. કેટલાંક કેસમાં તેમને ક્લીન ચિટ પણ મળી છે. આમ છતાં હંમેશા ખાસ પોસ્ટિંગ મળતી રહે છે. હાલ તે બે વિભાગ ખાણ તેમજ ઉદ્યોગમાં સચિવ તરીકે પોસ્ટેડ છે.આ ઉપરાંત તેઓ ઝારખંડ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટરના એડિશનલ ચાર્જ સંભાળી રહી છે. પૂજા સંઘલે પતિ અભિષેકના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. IAS ઓફિસર રાહુલ પુરવારથી છૂટાછેડા બાદ પૂજા સિંઘલે અભિષેક સાથે લગ્ન કર્યા. EDના અધિકારીઓ અભિષેકના રતુ રોડના એક છુપાયેલા સ્થળે તપાસ કરી હતી. EDએ દરોડામાં મોટા પ્રમાણમાં રકમ રોકડ મળી આવી હોવાનું જાણવા મળે છે.
ઝારખંડમાં ખાન સચિવના પદ પર તહેનાત છે પૂજા સિંઘલ
સત્તાવાર રીતે આ દરોડા અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી આપવામાં આવી. IAS પૂજા સિંઘલ ઝારખંડમાં ખાન સચિવના પદ પર ફરજ બજાવે છે. તેમના અંડરમાં બીજા અનેક વિભાગ પણ છે. તેમના પતિ અભિષેક ઝા રાંચીમાં પલ્સ નામથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે. આ ઉપરાંત તેમના અનેક વ્યવસાય પણ છે.
દંપતી દ્વારા મોટા પાયે રકમની લેવડદેવડ થઈ છે
EDના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં IAS અને તેમના પતિ દ્વારા મોટા પાયે મોટી રકમની લેવડદેવડ થઈ છે. જેની સાથે જોડાયેલા કાગળ અને તેની કાયદેસરતાની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ EDની ટીમ માઈનિંગ લીઝ આપવા અંગેના કાગળો પણ તપાસી રહી છે. હાલમાં પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે ખાણની ફાળવણીમાં ગરબડીનો આરોપ લગાડતા અનેક દસ્તાવેજ જાહેર કર્યા હતા.
સવારે છ વાગ્યે EDની કાર્યવાહી શરૂ થઈ હતી
રાંચીમાં IASના સરકારી નિવાસસ્થાનની સાથે સાથે લાલપુર સ્થિત હરિઓમ ટાવરની ન્યૂ બિલ્ડિંગ, પંચવટી રેસિડન્સી તેમજ અન્ય જગ્યાએ સવારે છ વાગ્યાથી દરોડા પાડવામાં આવ્યા હતા. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ ઉપરાંત અનેક મોટા ધિકારી રાંચીમાં કેમ્પ કરી રહ્યાં છે.
પૂજા સિંઘલના તમામ કેસની તપાસ
EDએ મનરેગા કૌભાંડના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટના આદેશ પર સમગ્ર કેસની માહિતી સાથે સંબંધિત સોગંદનામું દાખલ કર્યું હતું. EDએ એફિડેવિટ દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે ઝારખંડના ખુંટી જિલ્લામાં મનરેગામાં રૂ. 18.06 કરોડના કૌભાંડ સમયે ડેપ્યુટી કમિશનર પૂજા સિંઘલ હતા.
આ કેસમાં, જુનિયર એન્જિનિયર રામ વિનોદ પ્રસાદ સિન્હાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જેમણે ED સમક્ષ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે કમિશનની રકમ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પહોંચતી હતી. ચતરા અને પલામુ બંને કેસની ચાલી રહેલી તપાસ અંગે EDએ તેના સોગંદનામા દ્વારા હાઈકોર્ટને જાણ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે પૂજા સિંઘલ ઓગસ્ટ 2007થી જૂન 2008 સુધી ચતરા જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તહેનાત હતી.
આ ઉપરાંત આરોપ છે કે તેણે મનરેગા હેઠળ બે એનજીઓને 6 કરોડ રૂપિયાની એડવાન્સ પેમેન્ટ કરી હતી. આ બંને NGOમાં વેલફેર પોઈન્ટ અને પ્રેરણા નિકેતનનો સમાવેશ થાય છે. આ રકમ મુસલીની ખેતી માટે ફાળવવામાં આવી હતી, જ્યારે ત્યાં આવી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, જેની હજુ તપાસ ચાલી રહી છે.
આ સિવાય પલામુ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર હોવાનો આરોપ છે કે પૂજા સિંઘલે લગભગ 83 એકર જંગલની જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ માટે ટ્રાન્સફર કરી હતી. આ મામલો કથૌટિયા કોલસાની ખાણો સાથે જોડાયેલો છે. EDએ કોર્ટને કહ્યું હતું કે આ કેસમાં પણ તપાસ ચાલી રહી છે.