ગુજરાત

પાસપોર્ટ માટે લાંચ? રાજકોટની CP કચેરીના વાયરલ વીડિયો અંગે DCP ક્રાઇમે આપ્યા તપાસના આદેશ

Text To Speech

રાજકોટ: પોલીસ કમિશનર કચેરીમાં વચેટિયા દ્વારા પાસપોર્ટ વેરિફિકેશન માટે લાંચ માગવામાં આવતી હોવાના વાયરલ વીડિયો અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં રૂ.20 હજારની માંગ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા  બાબતે ડીસીપી ક્રાઇમની સૂચનાથી પીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરનાં જયરાજપ્લોટ વિસ્તારમાં રહેતા સોની વેપારીએ મિત્રો સાથે દુબઇ જવા માટે એક ટુરિઝમ સંચાલકનો સંપર્ક કર્યો હતો અને તેના મારફત ગત 31મી માર્ચે પાસપોર્ટ માટેની અરજી કરી હતી જેના પોલીસ વેરિફિકેશન માટે અરજદાર અને ટુરિઝમ સંચાલક શહેરનાં એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને મળ્યા હતા અને તેઓને જુદા-જુદા તમામ દસ્તાવેજો રજૂ કર્યા બાદ ગત તા.18મીએ ફોન કરી બીજા દિવસે અરજદાર અને ટુરિઝમ સંચાલકને પોલીસ મથકે રૂબરૂ બોલાવી અરજી અમદાવાદમાં અટવાઇ હોવાનું કહી કમિશનર કચેરીમાં સેટિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેથી ટુરિસ્ટ સંચાલક પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી એ-ડિવિઝન પોલીસ મથકમાંથી જે પોલીસકર્મી દ્વારા સીપી કચેરીના કર્મચારીને મળવાનું કહ્યું હતુ તેમને મળીને સેટિંગ અંગેની વાત કર્યા બાદ તેઓની પાસેથી રૂ. 20 હજારની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી પ્રથમ રૂપિયા 10 હજાર અને પાસપોર્ટ મળ્યા બાદ બીજા 10 હજાર આપવાની વાત હતી આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય જેની જાણ થતાં આખરે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Back to top button