શું તમે મહાકુંભ 2025માં જવાના છો? કેવી રીતે જશો? બુકિંગ કેવી રીતે કરાવશો? ક્યાં રહેશો?
પ્રયાગરાજ, 27 ડિસેમ્બર, 2024: ત્રણ નદીના સંગમ પ્રયાગરાજમાં મહાકુંભ માટેની તૈયારીઓ તો જોરશોરથી ચાલી રહી છે. તો સામે દેશ અને દુનિયામાં વસતા સનાતની શ્રદ્ધાળુઓ પણ દર 12 વર્ષે એક વખત યોજાતા આ દુનિયાના સૌથી વિશાળ ધાર્મિક મેળા પૈકીના એકમાં જવા માટે તૈયાર છે. જોકે, ઘણા શ્રદ્ધાળુઓને હજુ પોતાના સ્થાનેથી પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું, ત્યાં કોને મળવું, કેવી વ્યવસ્થા હશે વગેરે વિશે જાણકારી નથી. તો એચડી ન્યૂઝ તમને આ જાણકારી આપે છે. સાથે કુંભમેળાને લગતી વિવિધ સત્તાવાર વેબસાઈટની લિંક પણ એચડી ન્યૂઝ અહીં આપશે જેથી તમારે એ બધું શોધવા બીજે ક્યાંય જવું ન પડે. અહીં અમે મુખ્યત્વે ભારતીય રેલવેના પ્રવાસન કોર્પોરેશન દ્વારા સંચાલિત વ્યવસ્થાની વિગતવાર માહિતી આપી છે, પરંતુ શ્રદ્ધાળુઓ માટે કુંભમેળાની સત્તાવાર વેબસાઈટ ( https://kumbh.gov.in/ ) પણ આપીએ છીએ જેથી તદ્દન રાહત દરે અથવા નિઃશુલ્ક વ્યવસ્થાનો પણ લાભ લઈ શકાય.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને (Mahakumbh Mela 2025) લઈને ઉત્સાહ વધી રહ્યો છે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે, જેને વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક માનવામાં આવે છે. આ મેળો દર 12 વર્ષમાં એકવાર ભરાય છે, જેની ભક્તો આતુરતાથી રાહ જુએ છે. મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવાથી તમામ પાપ દૂર થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તમે પણ ઉત્તર મહાકુંભમાં જવાના હોવ અને ત્યાં રહેવા-જમવાની શ્રેષ્ઠ વ્યવસ્થા વિશે જાણવા માગતા હોવ તો એચડી ન્યૂઝ તમને જણાવશે કે વિવિધ ટેન્ટ કેવી રીતે બુક કરાવી શકો છો?
IRCTC દ્વારા વ્યવસ્થા
મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આરામદાયક રોકાણ મળી શકે તે માટે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) મહા કુંભની વ્યવસ્થા કરવા માટે મહાકુંભ ગામ અને આઈઆરસીટીસી ટેન્ટ સિટીની સ્થાપના કરવાનું આયોજન કર્યું છે. પ્રયાગરાજ જવા માગતા શ્રદ્ધાળુઓ અગાઉથી બુકિંગ કરાવી શકશે.
ટેન્ટ સિટી માટે કેવી રીતે બુકિંગ કરાવશો?
ટેન્ટ સિટી માટે બુકિંગ કરાવવા તમારે વેબસાઇટ www.irctctourism.com ઉપર જવું પડશે, જ્યાં શ્રદ્ધાળુઓ તેમની અનુકૂળતા મુજબની તારીખ પસંદ કરી શકે છે અને તેમની અનુકૂળતા મુજબ રહી શકે છે. તમને વ્હોટ્સએપ અને ટોલ ફ્રી નંબર દ્વારા કસ્ટમર કેર સર્વિસ પર ટેન્ટ સંબંધિત માહિતી પણ મળશે. આ ટેન્ટ સિટીમાં ચાર શ્રેણી છેઃ ડીલક્સ, પ્રીમિયમ ડીલક્સ, ડીલક્સ ઓન રોયલ બાથ અને પ્રીમિયમ ઓન રોયલ બાથ. આ ટેન્ટ બુક કરવાની સાથે તમારું શાહી સ્નાન પણ બુક કરવામાં આવશે. બુકિંગ દરમિયાન તમારે જણાવવું પડશે કે તમે કયો રૂમ પસંદ કરવા માંગો છો જેના આધારે તમારે ચૂકવણી કરવી પડશે.
ટેન્ટ – તંબુ કેટલા રૂપિયામાં ઉપલબ્ધ છે?
મહાકુંભમાં ટેન્ટ બુક કરાવવા માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે? શાહી સ્નાનની તારીખો પર તંબુ બુક કરાવતી વખતે, રૂમના દર રૂ. 16,100 થી શરૂ થાય છે, જ્યારે સિંગલ ઓક્યુપન્સી દર રૂ. 10,500 થી શરૂ થાય છે, ડબલ ઓક્યુપન્સી દર રૂ. 12,000 થી રૂ. 30,000 સુધીના છે. આ સિવાય વધારાના બેડ માટે તમારે 4200 થી 10,500 રૂપિયા ચૂકવવા પડશે.
ટેન્ટ સિટીમાં આ સુવિધાઓ ઉપલબ્ધ હશે
ટેન્ટ સિટીમાં આરામદાયક અને અનુકૂળ રોકાણ ઉપરાંત અન્ય ઘણી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. અહીં ભોજન માટે ડાઇનિંગ હોલમાં બુફેની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ તબીબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. આવન-જાવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, બેટરી વાહનો અને શટલ સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે અને આધ્યાત્મિક વાતાવરણ બનાવવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ સત્રો અને સ્પાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
મહાકુંભને લગતા તમામ સમાચાર અને માહિતી આ એક ક્લિકથી મેળવો >>>
https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
આ પણ વાંચોઃ યાત્રી કૃપયા ધ્યાન દે..! ધુમ્મસના કારણે રેલવેએ માર્ચ સુધી ઘણી ટ્રેનો રદ કરી, જાણો યાદી