રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો

- રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોનો સિલસિલો યથાવત
- સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કિસ્સા બન્યા
- રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. સૌથી વધુ બનાવ નવરાત્રિમાં બન્યા હતા. હજી પણ આ સિલસિલો યથાવત છે. ગુજરાતમાં સૌથી વધુ બનાવો સૌરાષ્ટ્રમાં બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે લોકો ભયભીત થયા છે.
આ અંગે રાજકોટ સિવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અને તેમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના બનાવો બન્યા છે. તેની પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પણ નિષ્ણાતોનું એવું માનવું છે કે, જીનેટીક કે જન્મજાત તકલીફને કારણે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. દર્દી જ્યારે જરૂરિયાત કરતાં શરીરને એકસરસાઈઝ કે બીજા કોઈ કામ કરી વધુ શ્રમ આપે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. આ ઉપરાંત સ્ટ્રેસનું કારણ પણ જવાબદાર હોય શકે છે. રાજકોટની સિવીલમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે. જેથી આ બનાવો પાછળનું કારણ જાણી શકાય. તેના વિસેરા એફ એસ એલમાં મોકલવામાં આવ્યા છે. વિસેરા રીપોર્ટ પછી કોઇ ચોક્કસ તારણ નીકળી શકે તેમ છે.
રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં જે ચાર વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજયા છે તેમની ઉંમર ૩૮ થી લઈ ૬૮ વર્ષ સુધીની છે.રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક મીરાનગરમાં રહેતા મૂળ આફ્રિકાના કેન્યાના વતની ધીમંતપ્રસાદ ઠાકોરપ્રસાદ વ્યાસ (ઉ.વ.૬ર) ગઈકાલે રાત્રે ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મૃત્યુ નિપજયું હતું. મોત હાર્ટ એટેકથી થયાનું ગાંધીગ્રામ-ર પોલીસે જણાવ્યું હતું. સંતકબીર રોડ પર કૈલાશધારા સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પ્રવિણભાઈ બટુકભાઈ પરમાર (ઉ.વ.પ૩) આજે સવારે કાથરોટા ગામે માંડવાના પ્રસંગમાં ગયા હતા. જયાં અચાનક બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટ એટેકથી મોત નિપજયાનું આજી ડેમ પોલીસે જણાવ્યું હતું.
ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા પરસોતમભાઈ રતિભાઈ જાદવ (ઉ.વ.પ૩) ગઈકાલે રાત્રે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેમનું પણ મૃત્યુ નિપજયું હતું. સેન્ટ્રીંગની મજુરી કરતાં પરસોતમભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમનું પણ હાર્ટ એટેકથી મોત થયાનું ગાંધીગ્રામ પોલીસે જણાવ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં નવા થોરાળા મેઈન રોડ પર ગોકુલપરામાં રહેતા ગુણવંતભાઈ ચનાભાઈ ચાવડા (ઉ.વ.૩૮) ગઈકાલે રાત્રે લઘુશંકા કરવા ઘરની બહાર ફળિયામાં ગયા ત્યારે એકાએક ત્યાં ઢળી પડયા હતા. જેથી સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. ગુણવંતભાઈને હાર્ટ એટેક આવી ગયાનું થોરાળા પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો, મ્યાનમારમાં ફરી અનુભવાયો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ